ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર અને વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ કાર્યકરી રહી છે. સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવાની સાથે ઓક્સિજનની અછત દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં હાલ 30 હજાર જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં 20 હજારથી વધારે મેડિકલ ટીમો નિયમિત દર્દીઓની સારવાર અને સર્વેની કામગીરી કરી રહી છે. અમદાવાદમાં 1200થી વધારે સંજીવની લોકોની સેવા માટે દોડાવવામાં આવ્યાં છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં 630 પથારીઓની ક્ષમતા વાળા ૫ કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં 15 કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાઇ છે. જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોને સમાવવામાં આવ્યા છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતોવખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે.
કેંદ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંદ્રીત કર્યું છે. હાલ ગુજરાતના શહેરોમાં કુલ 30,૦૦૦ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે જેમાં 20 હજાર મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે. રાજ્યમાં પૂરતા વેક્સિનેશન અને કૉવિડ એપ્રોપ્રિઍટ બિહેવિયરના ચુસ્ત પાલન થકી આવનારા દિવસોમાં ગુજરાત કોરોના પર પ્રભાવી નિયંત્રણ મેળવવામાં સફળ થશે.