ભાવનગરઃ રાજ્યની 15 સરકારી યુનિ.માં કોમન એક્ટના અમલ બાદ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ (GCAS)પરથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા ગઈકાલે મંગળવારે પૂર્ણ થઇ હતી. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કુલ 26,355 બેઠકો પૈકી 14300 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. એટલે હજુ 12000થી વધુ બેઠકો ખાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર ઓનલાઈન 15 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. યુનિ.માં આર્ટસ, સાયન્સ, કોમર્સ સહિતની કુલ 26,355 બેઠકો છે અને તે પૈકી 14300 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવતા હજુ પણ 12,000થી વધુ બેઠકો ખાલી છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં સ્નાતક અને ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહીમાં પ્રથમ તબક્કાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે. અને પ્રવેશ ઇચ્છુકોએ મોડી રાત સુધી પોર્ટલ પર નોંધણી કરી ફોર્મ સબમીટ કર્યા હતા. યુનિ.ની કોલેજોમાં GCAS પોર્ટલ પર મંગળવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 14,107 રજીસ્ટ્રેશન થયા હતા. અને ફી પણ ભરાઇ ગઇ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની 15 સરકારી યુનિ.ઓમાં એક જ ફોર્મથી પ્રવેશ મળવાનો હોય બેઠકો વધવાની આશા હતી પણ પ્રવેશ પ્રક્રિયામાં મોડુ થવાથી ખાનગી યુનિ.ઓની કોલેજોને લાભ થવાની ચિંતા સાચી પડી રહી છે. વિદ્યાર્થીઓ માટે દરેક યુનિવર્સિટી અને કોર્સીસમાં પ્રવેશ મેળવવા માટેનો સમયગાળો પણ એક જ રાખવામાં આવ્યો છે. જો કે, યુનિવર્સિટીનો સમય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકવામાં આવતા ફંડની બચત થઇ છે. હવે એડમિશનની સરળતા માટે સહાય કેન્દ્ર દ્વારા કોલેજ કક્ષાએ જ વિદ્યાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરાશે, તેમજ નિયમ મુજબ મેરિટ બનાવવું અને વિદ્યાર્થીઓને ઓનલાઈન કાઉન્સેલિંગની પણ વ્યવસ્થા આ પોર્ટલ મારફત થઇ રહ્યું છે. પ્રવેશ માટે કુલ ત્રણ રાઉન્ડ યોજાશે. તા.29 અને 30 મેના રોજ આવેલ અરજીઓનું બાયફરગેશન કરી યુનિવર્સિટીને સોંપાશે. જ્યારે તા.31થી 7 દિવસમાં યુનિવર્સિટી પ્રોવિઝનલ એડમિશન લિસ્ટ તૈયાર કરી સાઇટ પર પ્રસિદ્ધ કરશે.