Site icon Revoi.in

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની 1300થી વધુ જગ્યા ખાલી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ તાલુકા અને જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછત છે.જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબો નહીં હોવાથી દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે.

ગુજરાત સહિત દેશમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની મોટી ઘટ છે. જેમાં સરકારી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની 99 ટકા જેટલી અછત હોવાનું સરકારી આંકડી કહી રહ્યા છે. સરકારી મેડિકલ કોલેજોમાં ભણીને તબીબ બનેલા વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડ લેવામાં આવે છે. અને ફરજિયાત તાલુકાની હોસ્પિટલોમાં ફરજ બજાવવાનું કહેવામાં આવે છે. પણ મોટાભાગના વિદ્યાર્થીઓ સરકારી બોન્ડભરી દઈને મોટા શહેરોમાં જ પ્રેક્ટિસ કરવાનું પસંદ કરતા હોય છે.

ગુજરાતમાં 1,379 સુપર સ્પેશિયાવિસ્ટ તબીબોની ઘટ છે. એટલે કે 99 ટકા ઘટ હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકારોના આંકડાકીય ડેટાને ધ્યાનમાં લેતાં ગુજરાતમાં સર્જન, પીડિયાટ્રિશિયન, ઓબ્સેટેરિયન,ગાયનેકોલોજિસ્ટ તેમજ અન્ય નિષ્ણાંત તબીબો સહિત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સંખ્યામાં 99 ટકા અછત હોવાનું જાણવા મળ્યું છે

સૂત્રોના જણાવ્યા મુજબ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના સંદર્ભમાં ગુજરાતની સરખામણીએ મહારાષ્ટ્રમાં 64 ટકા, મધ્ય પ્રદેશમાં 96 ટકા, રાજસ્થાનમાં 80 ટકા, ઉત્તર પ્રદેશમાં 71 ટકા, પશ્ચિમ બંગાળમાં 54 ટકા અને બિહારમાં 46 ટકાની ઘટ જોવા મળે છે. ગુજરાતમાં સર્જનો, પીડિયાટ્રિશિયન, ઓબ્સ્ટેરિયન ગાયનેકોલોજિસ્ટ તેમજ અન્ય નિષ્ણાંત તબીબો સહિત 1,392 સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની જરૂર છે અને તેની સામે ફક્ત 268 પોસ્ટ- જગ્યા માટે મંજૂરી અપાઈ છે, પરંતુ ફક્ત 13 સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યા જ ભરાઇ છે.

નેશનલ મેડિકલ કાઉન્સિલે ખાનગી મેડિકલ કોલેજો અને ડિમ્ડ યુનિવર્સિટીઓની 50% મેડિકલ બેઠકો માટે ફીના નિયમો નક્કી કરી દીધા છે. હવે ખાનગી મેડિકલ કોલેજ 50% બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસેથી મનફાવે તેમ કેપિટેશન ફી વસૂલી નહીં શકે. આ બેઠકો માટે વિદ્યાર્થીઓએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજો માટે નક્કી કરેલી ફી જ ભરવાની રહેશે. NMC ના આદેશ પ્રમાણે, જે કોલેજોમાં સરકારી ક્વૉટાની 50% બેઠક નક્કી છે, ત્યાં ફીનું નવું માળખું પહેલા એ વિદ્યાર્થીઓને અપાશે, જે સરકારી ક્વૉટામાં પ્રવેશ લેશે. આ ઉપરાંત જે કોલેજમાં સરકારી ક્વૉટાની બેઠકો 50%થી ઓછી છે, ત્યાં નક્કી સરકારી ક્વૉટા અને 50% બેઠકોના અંતરની બેઠકો પર વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે સરકારી ફીનો લાભ અપાશે.