ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની મોટી ફોજ છે. ત્યારે હવે સરકારે વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની કવાયત આદરી છે. જેમાં પંચાયત વિભાગ હસ્તકની વિવિધ જગ્યાઓની ભરતી માટે અગાઉ થયેલી જાહેરાતો બાદ ચાલુ વર્ષે વર્ગ-3ની 13 હજારથી વધુ જગ્યાઓની ભરતીનું આયોજન કરાયું છે. પંચાયતના દરેક વિભાગો દ્વારા ખાલી મહેકમની યાદી તૈયાર કરી ભરતી પ્રક્રિયા હાથ ધરીને ચાલુ વર્ષે આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે. એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પંચાયત વિભાગ દ્વારા 248 તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની 100 ટકા જગ્યા ભરી દેવામાં આવી છે. આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વર્ગ-1ની કુલ 11 જગ્યાને ડાઉનગ્રેડ કરીને વર્ગ-2માં તબદીલ કરવામાં આવી છે અને આ જગ્યાઓ ભરી દેવામાં આવી છે. ઉપરાંત 33 જિલ્લા પંચાયતોમાં ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારીની તમામ 33 જગ્યા પ્રમોશનથી ભરવામાં આવી છે. પંચાયત વિભાગમાં કેટલાક મહત્ત્વના વહીવટી સુધારા કરાયા છે, જે મુજબ વિભાગની યોજનાઓ, સેવાઓ, વિકાસનાં કામો, પંચાયત હસ્તકનાં વાહનો, મકાનો, કોર્ટ કેસો, વેરા વસૂલાત અને મહેકમને લગતી બાબતોનો સંકલિત ડેટાબેઝ તૈયાર કરી તેનું મોનિટરિંગ કરાશે અને તેનો માસિક અહેવાલ પોર્ટલ પર અપલોડ કરાશે. ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારીએ ટીમ બનાવી તાલુકા-ગ્રામ પંચાયત કચેરીઓનું નિરીક્ષણ કરવાનું રહેશે. તેમણે મહિનામાં એક તાલુકા પંચાયત અને પાંચ ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરીક્ષણ કરવાનું રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યના પંચાયત વિભાગમાં વર્ગ-3ની 13000 જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી અગેની જાહેરાત બાદ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. વર્ષના અંત સુધીમાં ખાલી જગ્યાઓ ભરી દેવાશે.