અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે એમબીએ અને એમસીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ક્રેઝ હતો. હવે આ બન્ને વિદ્યાશાખામાં પ્રવેશનો ક્રેઝ ઘટતો જાય છે. એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થઇ ચુકી છે. બે રાઉન્ડના અંતે હજુ 13 હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો પૈકી સરકારી અને અનુદાનિત કોલજોની બેઠકો માટે ત્રીજો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો હતો. સ્વનિર્ભર કોલેજો માટે હવે કોઇ વધારાનો રાઉન્ડ કરવામાં આવશે નહી. એટલે કે ખાલી પડેલી બેઠકો ભરવા માટે કોલેજોને આપી દેવામાં આવશે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડમાં 5441 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. જેના અનુસંધાનમાં બીજા રાઉન્ડ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. બીજા રાઉન્ડમાં પ્રવેશ સમિતિએ ભરવાની થતી બેઠકો પૈકી એમબીએની કુલ 12321 બેઠકોમાંથી 2631 બેઠકો ભરાતા 9690 બેઠકો ખાલી પડી છે. આજ રીતે એમસીએની કુલ 5110 બેઠકો પૈકી 986 બેઠકો ભરાતા 4114 બેઠકો ખાલી પડી છે. આમ, બન્નેની મળીને 13814 બેઠકો ખાલી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 સરકારી એમબીએ કોલેજની 558 બેઠકો પૈકી 458 બેઠકો ભરાતા 100 બેઠકો ખાલી પડી છે. આજ રીતે 9 સરકારી એમસીએ કોલેજની 411 બેઠકો પૈકી 381 બેઠકો ભરાતા 30 બેઠકો ખાલી પડી છે. આમ, સરકારી એમબીએ-એમસીએ બન્નેની મળીને 18 કોલેજોની 969 બેઠકો પૈકી 839 બેઠકો ભરાતા 130 બેઠકો ખાલી પડી છે. આજ રીતે સ્વનિર્ભર કોલેજોની બેઠકોની ગણતરી કરીએ તો સ્વનિર્ભર એમબીએની 102 કોલેજોની 11763 બેઠકો પૈકી 2173 બેઠકો ભરાતા 9590 બેઠકો ખાલી પડી છે. આજ રીતે એમસીએની કુલ 55 કોલેજોની 4699 બેઠકો પૈકી 605 બેઠકો ભરાતા 4094 બેઠકો ખાલી પડી છે. બન્નેની મળી કુલ 157 કોલેજોની કુલ 16462 બેઠકો પૈકી 2778 બેઠકો ભરાતાં 13694 બેઠકો ખાલી પડી છે. આમ, સરકારી અને સ્વનિર્ભર બન્ને કોલેજોની ગણતરી કરીએ તો કુલ 17431 બેઠકો પૈકી હાલ 13814 બેઠકો ખાલી પડી છે.હવે આજથી એટલે કે 22મીથી 24મી સપ્ટેમ્બર દરમિયાન સરકારી અને અનુદાનિત કોલેજોની ખાલી પડેલી 130 બેઠકો માટે ત્રીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. સ્વનિર્ભર કોલેજોની ખાલી બેઠકો માટે હવે કોઇ નવો રાઉન્ડ કરવામાં નહી આવે પણ આ બેઠકો ભરવા માટે કોલેજોને સોંપવા અંગેની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે સીમેટ એટલે કે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. દરવર્ષે આ ટેસ્ટ આપનારા વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં હોય છે તેના કરતાં વધારે નોન સીમેટ એટલે કે સીમેટ આપી નથી તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડે છે. સીમેટ પાસ કરેલા વિદ્યાર્થીઓ માટેના રાઉન્ડ પુરા થઇ ચુકયા છે. હવે ખાલી પડેલી બેઠકો પર નોન સીમેટ એટલે કે સીમેટ આપી નથી તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે.