નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જો કે, દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા હોવાથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,754 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. શુક્રવારે સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં 15,754 નવા દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 15,220 દર્દીઓ સાજા થયા હતા.
સત્તાવાર સુક્ષોના જણાવ્યા અનુસાર દેશમાં હાલ કુલ સક્રિય કેસ પણ વધુ ઘટીને 1,01,830 થઈ ગયા છે. દૈનિક ચેપ દર 3.47 ટકા છે. દિલ્હીમાં 20844 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 9.42 ટકા લોકો સંક્રમિત જોવા મળ્યા હતા.
દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના 1964 કેસ નોંધાયા હતા, જ્યારે 1939ને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી અને હોમ આઇસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે આઠ દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. નિષ્ણાતો ચિંતિત છે કે અન્ય રોગોના કારણે દાખલ કરવામાં આવેલા કેટલાક દર્દીઓ પણ કોરોના પોઝિટિવ થઈ રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનું સંક્રમણને અટકાવવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 209 કરોડથી વધારે કોરોનાના ડોઝ આપવામાં આવ્યાં છે.