સુરતઃ શહેરમાં તાઉ-તે વાવાઝોડાની અસરને લઈને વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે.આખી રાત ભારે પવન અને વરસાદને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયરને બહુ કોલ મળ્યા હતા અને 150થી વધુ ઝાડ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યુ છે. એટલું જ નહીં પણ ઝાડ પડવાથી આખી રાત ફાયરની ટીમ ખડે પગે બ્લોક થયેલા રસ્તાઓ ખોલવામાં કલાકોની જહેમત બાદ સફળ થઈ હતી.
ફાયર બ્રીગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, સવારે 7 વાગ્યા સુધીમાં કુલ 29 ઝાડ પડવાનાં બનાવો બન્યા હતાં. જેમાં અઠવા ઝોનમાં 6 સ્થળોએ, રાંદેર ઝોનમાં 8 સ્થળોએ, વરાછા ઝોન એમાં 2 સ્થળોએ, કતારગામ ઝોનમાં 2 સ્થળે, સેન્ટ્રલ ઝોનમાં 7 સ્થળોએ, લિંબાયત ઝોનમાં 2 સ્થળોએ, ઉધના ઝોનમાં 2 સ્થળોએ ઝાડ પડયા હતાં અને રસ્તા બ્લોક થઈ ગયા હતાં. જોકે, સમયસર ફાયરના જવાનોએ કામગીરી હાથ ધરી તમામ રસ્તાઓ ખુલ્લાં કરી દીધા હતાં.એકંદરે 150થી વધુ ઝાડ પડ્યા હતા, હજુ પણ વરસાદ ચાલુ છે.
શહેરના ચોક બજાર સોપારીવાળાની ગલીમાં આવેલા રૂમાની મંજિલના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે કોઈ જાનહાની નોંધાઈ ન હતી.ફાયરની ટીમને કોલ મળતાં જ ત્યાં જવાનો પહોંચી ગયા હતાં. જો કે, વધુ કોઈ ઈજા જાનહાનિના સમાચાર સામે ન આવતાં હાશકારો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે ખાનાખરાબી સર્જી છે. ભારે પવન અને વરસાદના કારણે પારાવાર તારાજી સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે.