Site icon Revoi.in

શહેરમાં કાંકરિયા લેક પર આવેલા 1500થી વધુ લોકોને વેક્સિન સર્ટી. ન હોવાથી પ્રવેશ ન અપાયો

Social Share

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ વેક્સિન ન લેનારા સામે એએમટીએસ,બીઆરટીએસ બસ સેવા તેમજ શહેરના બાગ-બગીચામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયા બાદ પણ હજુ ઘણા લોકોમાં વેક્સિન લેવા માટેની જાગૃતિ આવી નથી. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનારા લોકોને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જે લોકો વેક્સિન સર્ટી બતાવે તે લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમાં વેકેશનમાં કાંકરિયા પરિસરમાં હજારો પ્રવાસીઓ આવી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા વેક્સિન સર્ટી જોઈને જ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કાંકરિયામાં છેલ્લા બે દિવસમાં વેક્સિન સર્ટિફિકેટ વિના પ્રવેશ કરતાં 1557 લોકોને પાછા ધકેલવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યુ છે.

શહેરના કાંકરિયા પરિસરમાં સવારે સવારે મોર્નિંગ વોકમાં આવતા લોકો પાસે પણ જો બે ડોઝ લીધાનું સર્ટી ન હોય તો તેમને  પ્રવેશ આપવામાં આવતો નથી. કાંકરિયા પરિસરમાં પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, બટર ફ્લાય, મ્યુઝિકલ ફાઉન્ટેન, લેઝર શો, નોકટર્નલ ઝૂ, હોરર હાઉસ, પાણીનો બબલ, બોટિંગ, બાળકોની રાઇડ્સ, કીડસ સિટી વગેરે નજરાણા શહેરીજનો માટે આકર્ષણના કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને બહારના જિલ્લા, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ મુલાકાતે આવતા હોય છે. આ સ્થિતિમાં કોરોનાના ગાઇડ લાઇનનું પાલન કરવાનું ફરજિયાત બનાવાયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવાળી પછી કોરોનાના કેસ વધતા હવે કોરોના રસીના બે ડોઝ લીધા હોય તેવા લોકોને જ કાંકરિયા પરિસરમાં પ્રવેશ આપવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે.  બુધવારે 753 અને ગુરૂવારે 804 લોકોને કાંકરિયા પરિસરમાં પ્રવેશ અપાયો નહતો. તમામ સાત ગેટ પર ટિકિટ લેતી વખતે બે ડોઝ લીધાના સર્ટી ફરજિયાત માંગવામાં આવે છે. રસીના બંને ડોઝ લીધા હોય તો જ પ્રવેશ અપાય છે. સવારે મોર્નિંગ વોકમાં મોટી સંખ્યામાં લોકો ચાલવા આવતા હોય છે. ત્યારે પણ બે ડોઝ લીધાના સર્ટિફિકેટ માંગવામાં આવે છે. નહીં તો લોકોને પાછા ધકેલી દેવાય છે. (file photo)