- અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે,
- રજિસ્ટ્રેશન કરાવેલા સંઘના એક વાહનને પ્રવેશ અપાશે,
- પદયાત્રીઓના નામ, સરનામાંની વિગતો પણ મેળવાશે
પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં 12મી સપ્ટેમ્બરથી 18મા સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહોમેળો યોજાશે. ભાદરવી પૂનમે માં અંબાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. ભાદરવી મહામેળામાં જય અંબેના નાદ સાથે લાખો માઈભક્તો તેમજ ગુજરાતના ખૂણે ખૂણાથી પગપાળા સંઘો અંબાજી પહોંચતા હોય છે. આ પદયાત્રી પૂનમિયા સેવા સંઘોને ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બે વર્ષથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું છે .આ વખતે અંબાજી જતા 1500થી વધુ સંઘોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થયું છે.
આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોના કહેવા મુજબ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળો 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે. મેળા માટે પદયાત્રી સંઘોનું રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધી 1500 સંઘોનું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન થયેલા સંઘ દીઠ ફક્ત એક જ વાહનને અંબાજીમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રતિબંધિત વિસ્તારમાં વાહનોને પ્રવેશ મળશે નહીં, વધુમાં વધુ ચાર વાહનો માટે પાસ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મમાં દર્શાવેલા વાહન નંબરનો જ પાસ પ્રાપ્ત થશે. સંઘમાં આવનારા પદયાત્રોની તમામ સંપૂર્ણ માહિતી જેમકે નામ સરનામું સંપર્ક નંબર સંઘના મુખ્ય વ્યક્તિ પાસે હોવી ફરજીયાત છે. પદયાત્રી સંઘોને માતાજીના ચરણોમાં દર્શન માટે આવી રહ્યા છે ત્યારે એક વડ, પીપળનું વૃક્ષ અને પાંચ દેશી કુળના વૃક્ષોનું ગામેગામ વાવેતર કરી તેના ઉછેરવાના સંકલ્પ સાથે દર્શન માટે આવે તેવી ટ્રસ્ટ દ્વારા વિનંતી કરવામાં આવી છે. (File photo)