અમદાવાદઃ રાજ્યમાં મોટાપાયે આંખનો ચેપી ગણાતો કન્જક્ટિવાઇટિસનો રોગ ફેલાઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેના 2.30 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કન્જક્ટિવાઇટિસ ચેપી હોવાથી રોજના સરેરાશ 18થી 30 હજાર સુધીના કેસ છેલ્લા કેટલાક દિવસમાં નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા આ રોગ સામે બે દવાનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરાયો છે. સરકારી ચોપડે નહીં નોંધાયેલા કન્જક્ટિવાઈટિસના અનેક લોકો જોવા મળી રહ્યા છે. જેમાં અમદાવાદમાં તો કન્જક્ટિવાઈટિસના ઘેર ઘેર દર્દીઓ જોવા મળી રહ્યા છે. પરિવારના એક સભ્યને આંખ આવે તો ત્યારબાદ આખો પરિવારને આંખો આવતી હોય છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાગરિકોની ભાષામાં અખિયા મિલાકે કહે છે તે કન્જક્ટિવાઇટિસનો રોગચાળો વ્યાપક રીતે ફેલાયો છે. રોજના હજ્જારોની સંખ્યામાં કેસ નોંધાઇ રહ્યા છે. ભેજવાળા વાતાવરણમાં બેકટેરિયાના કારણે ફેલાતો આ રોગ આંખમાં દુઃખાવા સાથે શરૂ થાય છે અને ધ્યાન રાખવામાં ન આવે તો આંખમાં લાલાશ સાથે વધીને અન્યને પણ ચેપ દ્વારા ફેલાઇ શકે છે. તેથી તબીબો દ્વારા કન્જક્ટિવાઇટિસ થાય તો ઘરે જ આરામ કરવા અને આંખમાં ટીપા નાખવાની, દવા લેવાની સલાહ આપવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોમાં હાલ આંખ આવવાનો રોગ એટલે કે વાયરલ કન્ઝકટીવાઇટીસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. વાઇરલના કારણે સંક્રમિત દર્દીને સામાન્ય રીતે પાંચ દિવસમાં આ રોગ મટી જાય છે. જયારે આ સંક્રમણને કારણે આંખની દ્રષ્ટિને પણ નુકશાન થતું નથી. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાઇરસ દ્વારા ફેલાઇ રહ્યો છે. આ સંદર્ભે એમ એન્ડ જે આઇ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થલ્મોલોજી, અમદાવાદ ખાતે કન્ઝકટીવાઇટીસ દર્દીઓની આંખમાથી લેવાયેલા નમૂનાની લેબોરેટરી પરિક્ષણમાં પણ આ વાઇરસની હાજરી જોવા મળી છે.
આંખના રોગોના નિષ્ણાતોના અભિપ્રાય મુજબ વાઇરસના કારણે લાગતા ચેપની સારવારમાં એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સ જેવા કે Moxifloxacin Eye Drops, Gatifloxacin Eye Drops અથવા Ciprofloxacin Eye Dropsની જરૂરીયાત દરેક દર્દીને હોતી નથી. ખાસ કિસ્સા જેવા કે સેકેન્ડરી બેકટેરીયલ ઇન્ફેકશન થવાના કારણે કીકીમાં રોગની અસર જણાય અને દ્રષ્ટિને નુકશાન થવાની સંભાવના હોય તેવા સંજોગોમાં તબીબોના અભિપ્રાય મુજબ આ એન્ટીબાયોટીક આઇ ડ્રોપ્સની સારવાર લેવાની થાય છે. રાજ્યમાં હાલ આ વાઈરસના દૈનિક 25 થી 30 હજાર કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્જક્ટિવાઈટિસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
વાયરલ કન્ઝકટીવાઇટીસના સંક્રમણથી બચવા માટે દરેક વ્યક્તિએ પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા. સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ભીડ-ભાડ વાળી જગ્યાઓ જવાનું ટાળવુ જોઈએ. આંખમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇ નાખવા નહીં. ડોક્ટરે લખી આપેલા ટીપા-દવા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા. પરીવારમાં જે દર્દીને કન્ઝકટીવાઇટીસની અસર થયી હોય, તેણે પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ, વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી, ઘરના અન્ય સભ્યો સાથે સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો તેમજ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.