- બાળકોની રાઇડો, ખાણીપીણી માર્કેટમાં લોકોની ભીડ જામી,
- સુરક્ષાના કારણોસર મોટી રાઇડ્સ બંધ રાખવાના નિર્ણય,
- મેળામાં સુરક્ષાની સમીક્ષા કરવા પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ
સોમનાથઃ યાત્રાધામ સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 અત્યાર સુધીના દરેક રેકર્ડ તોડ્યો છે. મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખથી વધુ સેહલાણીઓનો મેળો માણવા ઉમટી પડ્યા હતા.તેમજ મેળાના બીજા દિવસે વિક્રમ જનક 2,00,000 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં ભાગ લીધો હતો.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલી એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જે સામાન્ય પરિવારો મેળામાં બે કે ત્રણ રાઈડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણી, રાચરચીલાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે. અત્યાર સુધી ક્યારેય પહેલા દિવસે ન આવી હોય તેટલી મેદની 2 દિવસમાં જોવા મળી છે જેથી મેળામાં વેપારીઓએ સારોએવો વેપાર કર્યો છે. મેળાની મોજ માણવા આવતા લોકોને મેળામાં રાઇડ્સમાં ખર્ચો કરવા ઉપરાંત પણ સલામતીની ચિંતા સતાવતી હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે સલામત ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. તેને કારણે લોકોએ સુરક્ષા અનુભવીએ હતી. સાથે સાથે જે લોકો રાઇડ્સમાં ખર્ચો કરવાના હતા તે બાળકો સાથે ખાણીપીણી અને ખરીદીમાં કર્યો હતો. મેળાના બીજા દિવસે 2,00,000થી વધુ લોકોએ હસ્તકલા, રાચરચીલું, ફૂડ માર્કેટ, જેલના ભજીયા, સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા અપેક્ષા પંડ્યા અને વૃંદની સંગીત સાધના સાથે સાથે મેળાના પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના મનોરંજન મેળવ્યા હતા. નાના બાળકો માટે રાખવામાં આવેલ 50 જેટલી રાઇડ્સ અને ગીરનું ગામડું, somnath@70, પંચદેવ મંદિર, કલ્પ વૃક્ષ સેલ્ફી પોઇન્ટ, જેવા મનોહર પ્રદર્શનોને કારણે મેળામાં લોકોને વિશેષ આકર્ષણ જાગ્યું છે.
લોકોએ આ મેળામાં પોતાના પરિવાર સાથે ઉમંગભર્યા માહોલમાં ભાગ લીધો છે. જોવા મળી રહ્યું છે કે સરેરાશ મુલાકાતિઓની ખરીદશક્તિ વધી છે, જેના કારણે મેળાના વિવિધ સ્ટોલ્સ પરના વ્યાપારીઓને ગત વર્ષોની સાપેક્ષમાં અપેક્ષા કરતાં બમણું વેચાણ થતાં અર્થતંત્ર તંદુરસ્ત રીતે ખીલ્યું હતુ. મોટી સંખ્યામાં આવેલા મુલાકાતીઓ માટે ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ પાણી સહિતની પ્રાથમિક વ્યવસ્થાઓ ગોઠવી હતી. સાથે સાથે મેળાની સુરક્ષાને પણ અગ્રીમતા આપવામાં આવી છે ફાયર ટેન્ડર સહિતની ટીમ એમ્બ્યુલન્સ મેળામાં સ્ટેન્ડ બાય રખાયા છે. મેળા ને ચારે તરફથી પોલીસ સુરક્ષા પણ મળી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતો પોલીસ ફોર્સ ગોઠવવામાં આવ્યો હતો.