નવી દિલ્હીઃ તિર્કીમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાની ભૂકંપને પગલે અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ચાર હજાર જેટલી વ્યક્તિઓના મોત થયાનું છે અને દરમિયાન આજે સવારે 5.6ની તીવ્રતા નોંધાઈ હતી. બીજી તરફ ગઈકાલના ગોઝારા ભૂકંપ બાદ આફટરશોક વધ્યાં છે. 24 કલાકમાં 20થી વધારે આફટરશોક નોંધાયાં છે. જેથી લોકોમાં ભય ફેલાયો છે. તુર્કી ઉપરાંત સિરિયા સહિત ચાર દેશમાં ભૂકંપ આવ્યાં હતા. તૂર્કીમાં ભૂકંપના જોરદાર આંચકાને પગલે એક બે નહીં પરંતુ 1700 જેટલી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીમાં ગઈકાલથી લઈને અત્યાર સુધી જેટલા પણ ભૂકંપના આંચકા આવ્યા છે તેમાંથી મંગળવારના આંચકાને ચોથો સૌથી મજબૂત માનવામાં આવે છે. તુર્કીની સાથે સીરિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવવા મળ્યા હતા. તુર્કીમાં ભૂકંપને પગલે ચારેય બાજુ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ધરાશાયી ઈમારતોના કાટમાળ નીચે અનેક લોકો દબાયેલા હોવાથી રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત સહિતના અનેક દેશોએ તુર્કીયમાં સહાય મોકલી છે. ભારતે એનડીઆરએફની ટીમોને બચાવ કામગીરી માટે મોકલી છે, એટલું જ નહીં તબીબોની ટીમ પણ જરુરી વસ્તુઓ સાથે રવાના કરાઈ છે. અમેરિકા, ચીન, તાલિબાન સહિત ઘણા દેશોએ રાહત અને બચાવ કાર્ય માટે વિશેષ ટીમ મોકલી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપ અંગે દુખ વ્યક્ત કરીને જરૂરી મદદ પુરી પાડવાની તૈયારીઓ દર્શાવી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડને, તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગન સાથે ફોન પર વાત કરી અને યુએસ તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી. બાઈડને કહ્યું કે તુર્કીને નાટો તરફથી શક્ય તમામ મદદ આપવામાં આવશે. બાઈડને સોમવારે ટ્વીટ કરીને ભૂકંપમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.