સુરેન્દ્રનગરઃ ઝીંઝુવાડા ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા ઝીંઝુવાડાના રણમાં અશ્વોની ભવ્ય અશ્વદોડ સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. ઝાલા રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા સવારે રાજેશ્વરી મંદિરમાં ભવ્ય શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. અને સાંજે યોજાયેલા ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં ઝાલા રાજપૂત સમાજના આગેવાનો દરબારી પોષાકમાં હાજર રહ્યાં હતા.
પાટડી તાલુકાના ઐતિહાસિક એવા ઝીંઝુવાડા ગામે ચોવીસી ઝાલા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગતરીતે સદીઓથી ઉજવાતા ભવ્ય અશ્વદોડ સ્પર્ધાનુ ભવ્ય આયોજન કરાયુ હતુ. જેમાં ઝીંઝુવાડા ચોવીસીના સર્વે ક્ષત્રિય રાજપૂત દરબારોએ ઐતિહાસિક રાજેશ્વરી માતાના મંદિરે માથે તિલક અને સાફા સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે પોતપોતાના શસ્ત્રો જેવા કે તલવાર, ભાલા, બરછી, કટાર, ઢાલ અને બંદૂક સહિતના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ મોડી સાંજે ઝીંઝુવાડાની વિડમાં ઝીલકેશ્વર જવાના રસ્તે અશ્વદોડ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતુ. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે હળવદ-ધ્રાંગધ્રાના 47માં ઝલ્લેશ્વર મહારાજા સાહેબ ડૉ.જયસિંહજી ઝાલાના સચિવ અનિરુદ્ધસિંહ જાડેજા ખાસ હાજર રહ્યાં હતા.
ઝીંઝુવાડામાં યોજાયેલી અશ્વદોડ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી જુદી-જુદી જગ્યાના 20થી વધારે અશ્વસવારોએ પોતાના ઘોડાઓ સાથે દરબારી પોષાકમાં રેવાલ ચાલ, રલ્લો ચાલ અને પાટીચાલ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અશ્વદોડ સ્પર્ધામાં વિજેતાઓને હળવદ-ધ્રાંગધ્રાના 47મા ઝલ્લેશ્વર મહારાજા સાહેબ શ્રીરાજ ડૉ.જયસિંહજી ઝાલાના સચિવ અનિરુદ્ધસિંહજી જાડેજાના હસ્તે સાફો અને તલવાર આપી બહુમાન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં એમણે અશ્વદોડની જે પરંપરા ધીમેધીમે લુપ્ત થતી જાય છે. એ પરંપરાને જીવંત રાખવા બદલ ઝીંઝુવાડા જાગીરદાર સમાજને અભિનંદન પાઠવ્યા હતા. અને અશ્વદોડની લુપ્ત થતી પરંપરાને નિહાળી ખુબ જ આનંદિત થવાની સાથે આયોજકોને ધન્યવાદ પાઠવ્યા હતા.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ઝીંઝુવાડા ચોવિસી રાજપૂત સમાજના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.