Site icon Revoi.in

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના 20થી વધુ ગામોમાં આજે પણ એસટી બસની કોઈ સુવિધા નથી

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડીથી સાત કિ.મી. દુર આવેલા સડલા સહિતના તાલુકાના વીસથી વધુ ગામો એસ.ટી.બસની સુવિધાથી વંચિત છે. વિકાસની ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા એ છે કે, આ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના અભ્યાસ માટે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરીને બહારગામ જવું પડે છે. એસટી બસ શરૂ કરવા માટે ગ્રામજનોએ અનેકવાર રજુઆતો કરી હોવા છતાં પણ એસટી બસ શરૂ કરવામાં આવતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ પાટડી તાલુકા પ્રત્યે એસટી નિગમનું ઓરમાયું વર્તન છે. સડલા ગામે વર્ષોથી એસ.ટી. બસની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી ગ્રામજનો ખાસ કરીને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થાય છે. સડલાના મહિલા સરપંચના પતિ જણાવે છે કે, 2600ની વસ્તી ધરાવતા આ ગામમાં ધોરણ-8 સુધી જ ભણવાની સુવિધા છે. ધોરણ-9થી ઉપરના અભ્યાસ માટે પાટડી જવું પડે છે. સડલામાં વર્ષો પહેલા બસ આવતી હતી પરતુ અગમ્ય કારણોસર બંધ કરી દેવાયેલ છે. જેથી ગ્રામજનોને નોકરી-ધંધા માટે તેમજ વિદ્યાર્થીઓને ભણવા માટે દરરોજ ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવી પડે છે. વિદ્યાર્થીઓ કહે છે કે, ખાનગી વાહનોની મુસાફરીમાં શાળાએ સમયસર પહોંચાતું નથી. ક્યારેક વાહન ન મળે તો સાત કિ.મી. ચાલીને પણ જવું પડે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાટડી તાલુકામાં 20 ગામો એવો છે. કે, હજુ એસટી બસના દર્શન થયા નથી.  સરકારી કાર્યક્રમ માટે ખાલી બસો દોડાવાય છે, પણ ગ્રામજનોની સુવિધા માટે વર્ષોથી એક પણ બસ મુકવામાં આવતી નથી. તાલુકામાં સડલા ઉપરાંત વીસથી વધુ ગામો એવા છે, જ્યાં આજે એસ.ટી.બસની સુવિધા નથી. પાટડી તાલુકાના જે ગામો એસ.ટી.બસની સુવિધાથી વંચીત છે, તે ગામોને વિધાનસભાની ચુંટણી પહેલા એસ.ટી. બસની સુવિધા આપવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી અને માંગણી છે.