રાજકોટઃ શહેરમાં વિશ્વ યોગ નિમિત્તે યોગના અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શહેરમાં ત્રણ સ્વિમિંગ પુલમાં 200 જેટલી મહિલાઓએ યોગ કર્યા હતા.કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં કઈક અલગ કરવુ એ રાજકોટ શહેરની તાસીર રહી છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટ મ્યુનિ.દ્વારા સતત પાંચમા વર્ષે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ સ્વિમિંગ પુલ પર 200 થી વધુ મહિલાઓએ પાણીમાં યોગ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાની 8 વર્ષની દીકરીથી શરૂ કરી 75 વર્ષના વૃધ્ધાએ એક્વા યોગમાં ભાગ લઇ પાણીમાં યોગ કર્યા હતા.
વિશ્વ યોગ દિવસની બુધવારે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કઈક નવું કરવાની ઓળખ ધરાવતા રાજકોટ શહેરમા વિશ્વ યોગ દિવસ નિમિત્તે 200 જેટલી મહિલાઓએ 3 સ્વિમિંગ પુલમાં પાણીની અંદર એકવા યોગા કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલમાં મહિલાઓ માટે એકવા યોગાનું આયોજન સતત પાંચમા વર્ષે કરવામાં આવ્યું હતું. રાજકોટ મ્યુનિ. દ્વારા આયોજિત એકવા યોગમા 8 વર્ષથી લઇને 75 વર્ષના વૃદ્ધા સુધીની મહિલાઓ યોગમાં જોડાઈ એકવા યોગમાં ભાગ લીધો હતો.
એક્વા યોગના ટ્રેનર અલ્પાબેન શેઠએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ખાસ કરી પગના, ગોઠણના, સાંધાના તેમજ કમરના દુખાવાથી પીડાતા દર્દીઓ સંખ્યા વધુ હોય છે જેથી તેઓ જમીન ઉપર યોગ નથી કરી શકતા પરંતુ આ દર્દીઓ યોગ પાણીમાં આશાનીથી કરી શકે છે જેથી તેમના માટે મ્યુનિ. દ્વારા ખાસ એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણીની અંદર રહી આસાનીથી યોગ કરી શકાય તે માટે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કરવાથી શરીરને શારીરિક અને માનસિક ફાયદો થતો હોય છે. બહેનોએ પાણીની અંદર પાદહસ્તાસન, તાળાસન , વૃક્ષાસન, ત્રિકોણઆસન, પાદાનુગુસ્તાસન, વીરભદ્રાસન, વજાસન, નટરાજઆસન, વજ્રાસન, ઉતાનમંડુકાસન, ભદ્રાસન, સવાસન, મકરાસન, શશાંકઆસન, પ્રાણાયમ, ૐકાર આસન સહિત 17 જેટલા આસન કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મ્યુનિ. દ્વારા સતત પાંચમા વર્ષે વિશ્વ યોગ દિવસ નિમિત્તે એકવા યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે ઓછી મહિલાઓએ ભાગ લીધો હતો કારણ કે આ વર્ષે માત્ર રેગ્યુલર મનપાના સ્વિમિંગ પુલના સભ્યને જ એક્વા યોગની તાલીમ આપી એક્વા યોગ શીખવવામાં આવ્યા હતા.