અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનો વધવાની સાથે માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 21 હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે 46 હજારથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. માર્ગ અકસ્માતમાં સૌથી વધારે સુરત ગ્રામ્યમાં 1200થી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે ખેડામાં સૌથી વધારે 2300થી વધારે વ્યક્તિઓ ઘાયલ થઈ હતી. સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો અટકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ રોડ સેફ્ટી સહિતના જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે.
ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવોને લઈને વિધાનસભામાં સવાલ પૂછાયો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2020 સુધી છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 21,529 લોકોના મોત નીપજ્યા હતા. સુરત ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે 1257 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત થયાં હતા. જયારે અમદાવાદ શહેરમાં 1075, અમદાવાદ ગ્રામ્યમાં 923, વલસાડમાં 998, બનાસકાંઠામાં 971, વડોદરા ગ્રામ્યમાં 947, ભરૂચ જિલ્લામાં 917 અને સુરત શહેરમાં 808 મોત નોંધાયા હતા. ખેડા જિલ્લામાં સૌથી વધારે 2,349 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સુરત શહેરમાં 2,175, ભરૂચમાં 1,801, ગાંધીનગરમાં 1,794, ગોધરામાં 1,726 અને વડોદરા ગ્રામ્યમાં 1,722 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, રાજ્યમાં અકસ્માતને અટકાવવા માટે વિવધ પગલા લેવામાં આવી રહ્યાં છે. રોડ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે, ટ્રેનિંગ અને જાગૃતિ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે, ગતિ મર્યાદા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે.