Site icon Revoi.in

અમદાવાદના ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી

Social Share

અમદાવાદઃ ગુજરાતની સુપ્રસિદ્ધ જૂનાગઢના તાલાળા ગીરની કેસર કેરીનો સ્વાદ અને સુગંધ છેક અમેરિકા પહોંચે છે. કેસર કેરી પકવતા ખેડૂતોની મહેનતને ડોલરથી પોંખવાની આ સમગ્ર પ્રક્રિયામાં રાજ્ય અને કેન્દ્ર સરકારનો પુરૂષાર્થ પણ સામેલ છે. કારણ કે, યુએસએફડી અર્થાત યુનાઈટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડોથી બગીચામાં ઉછેરવામાં આવેલી કેરીનું ઈ-રેડિયેશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ નિકાસની પરવાનગી મેળવવાનું પાયાનું માધ્યમ છે. 

તાલાળાની ગુણવત્તાયુક્ત કેસર કેરી પકવતા અને અમેરિકા ખાતે નિકાસ કરવા ઈચ્છતા હજારો ખેડૂતો તેમના ઉત્પાદનને નિયત કરેલા માપદંડો પ્રમાણે પેકિંગ કરીને ઈ-રેડિએશન કરવા માટે અમદાવાદ મોકલે છે. અમદાવાદના બાવળા ખાતે આવેલા ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF) ખાતે આ કેરીઓનું ઈ-રેડિએશન કરવામાં આવે છે. ઈ-રેડિએશન કરવા માટે નિકાસકારો પાસેથી પ્રતિબોક્સ નિર્ધારિત કરેલી રકમ વસુલવામાં આવે છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અન ગત વર્ષે (2023માં) પણ 205 ટનથી વધુ કેરીનું ઈ-રેડિએશન કરી નિકાસ કરાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે (2024માં) અત્યારસુધીમાં 215 ટનથી વધુ કેરીની નિકાસ અમેરિકા ખાતે કરવામાં આવી છે.

અમેરિકા નિકાસ કરવા માટે આવતી કેરીનું ઈ-રેડિએશન ફરજિયાત છે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાથી આવનાર ક્વોરન્ટીન નિરીક્ષકની દેખરેખ હેઠળ થાય છે. તેઓ નિકાસ થનાર જથ્થામાંથી કેટલાક સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે. જેમાં મુખ્યત્વે સૂક્ષ્મ જીવાણુઓની હાજરી તપાસવામાં આવે છે. આ નિરીક્ષક તરફથી મળતી રવાનગીને આધારે કેરીના બોક્સ પર ઈ-રેડિએશન થયાનું સર્ટિફીકેટ લગાવવામાં આવે છે. જે કેરી નિકાસ કરવાપાત્ર ગુણવત્તા ધરાવતી હોવાનો મુખ્ય દસ્તાવેજ છે. જો કોઈ બોક્સ પર આવું સર્ટિફીકેટ ન હોય તો તેની નિકાસ થઈ શકતી નથી. 

તાલાળાના ખેડૂતોને કેસર કેરીની નિકાસ થકી અમેરિકામાં ખૂબ સારા ભાવ મળતા હોય છે. ભારત કરતા અલગ રીતે અને વધુ ચોક્કસાઈથી આ કેરીનું પેકેજિંગ કરવામાં આવે છે. એક બોક્સમાં 3 કિલો જેટલી કેરી મુકવામાં આવે છે. બોક્સની અંદરના ભાગમાં ચારે તરફ જાળીનું આવરણ કરવામાં આવે છે. ઈ-રેડિએશન કરાયેલા એક બોક્સનું વેચાણ અમેરિકા ખાતે 30થી 38 ડોલરમાં કરવામાં આવે છે. આ ભાવનો સીધો ફાયદો નિકાસકાર ખેડૂતને થાય છે.