1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તલાટી મંત્રીની 3437 જગ્યા માટે 22 લાખથી વધુ અરજીઓ, હજુપણ અરજીઓમાં વધારો થશે
તલાટી મંત્રીની 3437 જગ્યા માટે 22 લાખથી વધુ અરજીઓ, હજુપણ અરજીઓમાં વધારો થશે

તલાટી મંત્રીની 3437 જગ્યા માટે 22 લાખથી વધુ અરજીઓ, હજુપણ અરજીઓમાં વધારો થશે

0
Social Share

અમદાવાદઃ વાઈબ્રન્ટ ગણાતા ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોઈપણ સરકારી ભરતી હોય તો લાખોની સંખ્યામાં અરજીઓ આવતી હોય છે. તલાટી-મંત્રીની જગ્યા માટે એમબીએ, એલએલબી, એલએલએમ, અને માસ્ટર ડિગ્રીધારી અનેક યુવાનોએ નોકરી માટેની અરજીઓ કરી છે. ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાની ભરતી માટે 22 લાખ જેટલી ઓનલાઇન અરજીઓ પંચાયત પસંદગી મંડળને મળી છે. છેલ્લા 24 કલાકમાં જ ચાર લાખ જેટલી અરજીઓ મળી છે. હજુ પણ ફોર્મ ભરવાના એક  દિવસ બાકી છે ત્યારે અરજીઓની સંખ્યા વિક્રમજનક થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યના ઉમેદવારો રોજગારી માટે પ્રાઇવેટ સેક્ટરને બદલે સરકારી સેક્ટર ઉપર વધુ ભરોસો રાખી રહ્યા છે. કારણ કે સરકારી નોકરીમાં રોજગારીની સલામતી સૌથી વધુ હોય છે. વર્ગ-3માં આવતી તલાટી કમ મંત્રીની જગ્યાનું પગારધોરણ પણ ઘણું નીચું હોય છે અને પાંચ વર્ષ સુધી માત્ર 19950 રૂપિયાના  ફિક્સ પગારમાં નોકરી કરવાની હોવા છતાં લાખોની સંખ્યામાં શિક્ષિત યુવાનો આ જગ્યા માટે કમર કસી રહ્યા છે. 22 લાખ જેટલા ઉમેદવારીપત્રો અને 3437 જગ્યા પ્રમાણે ગણતરી કરીએ તો તલાટીની આ ભરતીની પ્રત્યેક જગ્યા માટે 640 યુવાનો વચ્ચે સ્પર્ધા થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ 2018-19માં બહાર પાડવામાં આવેલી તલાટીની ભરતીમાં પણ 15 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, તે વખતે જિલ્લા પંચાયત પસંદગી સમિતિઓ દ્વારા ભરતી યોજાવાની હતી પરંતુ સરકારે તે ભરતી પ્રક્રિયા રદ કરીને સેન્ટ્રલાઇઝ ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી તે વખતે ફોર્મ ભરનારા ઉમેદવારોએ પણ આ વખતે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. પંચાયત વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષની ખાલી જગ્યા એકસાથે ભરવાની મંજૂરી નાણા વિભાગ પાસેથી મેળવીને તમામ ખાલી રહેલી 3437 જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે. જેથી આ ભરતી પૂર્ણ થયા બાદ તલાટીની કોઇ જગ્યા ખાલી રહેશે નહીં. તે પછી રીટાયર્મેન્ટ કે રાજીનામાથી ખાલી પડતી જગ્યાઓ જ ખાલી રહેશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,અગાઉની સરકારે તમામ ભરતી માટેની લઘુતમ લાયકાત ગ્રેજ્યુએશન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ નવી સરકારે તલાટીની ભરતી માટેની લઘુતમ લાયકાત ધોરણ-12 પાસ રાખી છે. ઉપરાંત તમામ ભરતી માટે વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરાયો છે. બીજી તરફ પંચાયત વિભાગે ખાસ કિસ્સામાં બે વર્ષનો વધારો કર્યો છે જેથી તલાટી ભરતીમાં ઉપલી વય મર્યાદામાં કુલ 3 વર્ષનો વધારો થતાં 36 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર બન્યા છે જ્યારે મહિલા અને અન્ય અનામત કેટેગરીમાં પણ મહત્તમ વયમર્યાદામાં છૂટછાટો મળતા કુલ 45 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code