Site icon Revoi.in

રાજ્યના વર્ગ 3 અને 4ના 2200થી વધુ કર્મચારીઓની પસંદગીના સ્થળે જિલ્લા ફેર બદલીઓ કરાઈ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં નિયત પગાર ધોરણમાં કાયમી ન થયા હોય એવા ઘણાબધા કર્મચારીઓ બદલીઓની માગણી કરી રહ્યા હતા. જેમાં પતિ-પત્ની અલગ અલગ સ્થળોએ નોકરી કરતા હોય, પરિવારમાં ગંભીર બીમારી હોય, એવા અનેક કારણો હોવા છતાં બદલીઓ કરવામાં આવતી નહતી. આથી રાજ્યના મુખ્યમંત્રી સુધી રજુઆતો પહોંચતા તેમણે માનવતાલક્ષી અભિગમ દાખવીને 2200થી વધુ કર્મચારીઓને તેમની માગણીના સ્થળે બદલી કરી આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના  આગવા અભિગમને પરિણામે રાજ્યના કુલ 2,232 કર્મયોગીઓની પારદર્શી ઢબે ફેરબદલી કરવામાં આવી છે. દિવ્યાંગ કર્મચારી, દંપતી, મેડિકલ કારણો, માતા-પિતાની સારસંભાળ, ગંગાસ્વરૂપ બહેનો જેવા સામાજિક સંવેદના સ્પર્શી કારણોને પણ ફેર બદલીમાં ધ્યાને લેવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યશાસનનું દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ પ્રશાસનિક વ્યવસ્થામાં પારદર્શિતા, ઓનલાઇન પદ્ધતિઓ અને કાર્યદક્ષતાને મહત્વ આપવાનો વ્યુહ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ રાજ્યસેવાના અદના વર્ગ-4 અને વર્ગ-3ના કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખી સંવેદનાત્મક નિર્ણાય લીધો હતો. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોને પણ નાના કર્મચારીઓને કામગીરીમાં સરળતા રહે, ઘર-પરિવારની દેખભાળ કે વૃદ્ધ માતા-પિતાની સારસંભાળમાં તેને સુવિધા મળે તેવી રીતે કર્મચારીઓની ફેરબદલી કરવાનો અભિગમ અપનાવવા સૂચનાઓ આપી હતી. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ દિવ્યાંગ, ગંગાસ્વરૂપ, માંદગીના કિસ્સા, કે પતિ-પત્ની બે અલગ અલગ સ્થળે સેવારત હોય તેવા કિસ્સામાં પણ વિભાગ તથા સચિવાલય કક્ષાએ સહાનુભૂતિપૂર્વક વિચારી બદલીઓ કરવાના દિશાનિર્દેશો આપ્યા હતા..

મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે સંબંધિત વિભાગોએ પણ સંપૂર્ણ પારદર્શિતા -ટોટલ ટ્રાન્સપરન્સી સાથે આ પ્રક્રિયા હાથ ધરી હતી. તદ્દનુસાર પંચાયત વિભાગે માત્ર ચોવીસ જ કલાકમાં 1067 કર્મયોગીઓના આંતરજિલ્લા ફેરબદલીના હુકમ કર્યા છે રોજગાર અને તાલીમ વિભાગે વીડિયો કોન્ફરન્સિંગનો અદ્યતન રાહ અપનાવી 1165 કર્મીઓની પારદર્શી રીતે આંતર જિલ્લા ફેરબદલીઓ કરી હતી. આમ કર્મયોગીઓના કલ્યાણ અને વહીવટી સુદ્રઢતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ આગવા અભિગમને પરિણામે રાજ્યના 2,232 કર્મયોગીઓની આંતરજિલ્લા ફેરબદલી ખૂબ જ ટૂંકા ગાળામાં શક્ય બની છે. (file photo)