સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 25 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં આરોગ્ય અધિકારીઓ પણ રોજાસર ગામે દોડી ગયા હતા
રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને સાથો સાથ લગ્ન સીઝન પણ ચાલી રહી છે. ગરમીને કારણે રાંઘેલો ખોરાક ઉતરી જતાં ફુડ પોઈઝિંગના બનાવો પણ બનતા હોય છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. બાળકો અને મહિલાઓ સહિત અંદાજે 25 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામને સારવાર માટે રાણાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ લોકો હાલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ ફુડ પોઇઝનિંગમાં નાના બાળકોને જ વધારે અસર થઈ છે. હાલ બધાની તબિયત સુધારા પર છે. આ બનાવની જાણ થતાં તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા અને ફુડના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે.
રોજાસરના ગ્રામજનોના કહેવા મુજબ લગ્ન પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ 40 જેટલા લોકોને ઊલટીઓ થવા લાગી હતી. કેટલાક લોકોએ ઘરગથ્થુ સારવાર મેળવી લેતા તેમને સારૂ છે,25 જેટલા લોકોને રાણાગઢની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની પણ તબીયત સુધારા પર છે.આ ફુડ પોઇઝનિંગમાં નાના બાળકો ને જ વધારે અસર થઈ હતી. (file photo)