Site icon Revoi.in

અમદાવાદ RTO કચેરીમાં સ્માર્ટ કાર્ડ ખૂટી પડતા પાકા લાયસન્સ માટે 25 હજારથી વધુનું વેઈટિંગ

Social Share

અમદાવાદઃ શહેરની આરટીઓ કચેરીમાં પાકા લાયસન્સ માટેના સ્માર્ટ કાર્ડ ખૂટી પડતા હવે અરજદારોનું વેઈટિંગલિસ્ટ ચાલી રહ્યું છે. રિન્યુઅલ માટે પણ ઓનલાઈન અરજી કર્યા બાદ અને લાયસન્સની નિયમ મુજબની ફી ભર્યા બાદ પણ મહિનાઓ સુધી લોકોને લાયસન્સ મળતુ નથી. સ્માર્ટ કાર્ડ ખૂટી જતાં હોવાનું તો વર્ષોથી ચાલી રહ્યું છે. સ્માર્ટકાર્ડની કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટરો પણ મનમાની કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાઈવિંગ લાઈસન્સ માટેના સ્માર્ટ કાર્ડનો સ્ટોક ખૂટી પડતાં અમદાવાદમાં 25 હજાર સહિત રાજ્યમાં 80 હજારથી વધુ અરજદારોના પાકાં લાઈસન્સની કામગીરી અટકી ગઈ છે. હવે ફરી કયારે સ્માર્ટ કાર્ડ મળશે ? તે અંગે આરટીઓના અધિકારીઓ પણ સ્પષ્ટ કહી શકતા નથી. છ મહિના અગાઉ સ્માર્ટ કાર્ડ ખૂટી પડતાં વાહનના પાકાં લાઇસન્સનો બેકલોગ બે લાખથી વધુ પહોંચી ગયો હતો. ત્યારબાદ વાહનવ્યવહાર વિભાગે કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરતા લોકોને ઝડપથી પાકાં લાઇસન્સ મળવા લાગ્યા હતાં. અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ સહિત 38 આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. પરંતુ પાકાં લાઇસન્સ મળતા નથી. આરટીઓના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સ્માર્ટ કાર્ડ કયારે આવશે ? તેની કોઇ જાણકારી નથી. જેના લીધે પાકાં લાઇસન્સનો બેકલોગ વધી રહ્યો છે.

સ્માર્ટકાર્ડનો કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ કોન્ટ્રાકટરો અધિકારીઓનું પણ માનતા નથી. અને લાઇસન્સના કાર્ડમાં આવતી ચીપની ખેંચનું બહાનું બતાવવામાં આવે છે. અને  જેના લીધે સ્માર્ટ કાર્ડ તૈયાર થઇ શકતા નથી.એવું કહેવામાં આવે છે. મડિયા સમક્ષ પણ કંપનીના અધિકારીઓ વાત કરવાનું ટાળી રહ્યા છે. આખા રાજ્યનો કોન્ટ્રાક્ટ લઇને બેઠેલી કંપનીના અધિકારીઓ પૂરતો જવાબ આપવાની પણ તસ્દી લેતા નથી. માત્ર ચીપના અછત હોવાનું એકજ રટણ કરી રહ્યા છે.