ગુજરાતના 280થી વધુ લોકો દિલ્હીના કર્તવ્ય પથ ઉપર 75મા ગણતંત્ર દિવસની પરેડમાં ખાસ મહેમાન બનશે
અમદાવાદઃ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર યોજાનારી 75મા ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવા માટે લગભગ 13,000 વિશેષ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના 280થી વધુ લોકોનો સમાવેશ થાય છે. જનભાગીદારીના સરકારના સંકલ્પને અનુરૂપ જીવનના તમામ ક્ષેત્રના લોકોને રાષ્ટ્રીય તહેવારમાં ભાગ લેવાની તક પૂરી પાડવાના ઉદ્દેશ્યથી દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને સામાન્ય લોકોને ગણતંત્ર દિવસની પરેડમાં સાક્ષી બનવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ વિશેષ અતિથિઓમાં વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા અને સરકારની વિવિધ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ અને શહેરી), પીએમ ઉજ્જવલા યોજના, પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ), પીએમ કૃષિ જેવી વિવિધ યોજનાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરનારાઓનો સમાવેશ થાય છે. સિંચાઈ યોજના, PM ફસલ બીમા યોજના, PM વિશ્વકર્મા યોજના, PM અનુસુચિત જાતિ અભ્યુદય યોજના, PM મત્સ્ય સંપદા યોજના, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના, પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને રાષ્ટ્રીય ગોકુલ મિશન, વાઈબ્રન્ટ ગામોના સરપંચો, સ્વચ્છ ભારત અભિયાન, ઈલેક્ટ્રોનિક ઉત્પાદન ક્ષેત્રો અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના મહિલા કાર્યકરો, ઈસરોના મહિલા અવકાશ વૈજ્ઞાનિકો, યોગા શિક્ષકો (આયુષ્માન ભારત), આંતરરાષ્ટ્રીય રમતગમતના વિજેતાઓ અને પેરાલિમ્પિક ચંદ્રક વિજેતાઓ પણ આઅ ગણતંત્ર દિવસની પરેડમાં ખાસ ઉપસ્થિત રહેશે.
ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આમંત્રિત કરવામાં આવેલા આ વિશેષ અતિથિઓમાં સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર- ઇસરો અમદાવાદના મહિલા વૈજ્ઞાનિક શ્રીમતી શિલ્પી સોની અને ભૌતિક અનુસંધાન કેન્દ્ર- પી. આર. એલ.- અમદાવાદના મહિલા વૈજ્ઞાનિક ડો. શુભ્રા શર્મા સામેલ છે. ગુજરાતમાંથી સંરક્ષણ મંત્રાલયની વીર ગાથા સુપર 100 સ્પર્ધાના ચાર મહિલા વિજેતાઓ પણ ખાસ મહેમાન તરીકે ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનશે.
આ ઉપરાંત શ્રેષ્ઠ સ્વ-સહાય જૂથો, ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ, પીએમ મન કી બાત કાર્યક્રમના સંદર્ભો, અને પ્રોજેક્ટ વીર ગાથા 3.0ના ‘સુપર-100’ અને રાષ્ટ્રીય શાળા બેન્ડ સ્પર્ધાના વિજેતાઓ પણ વિશેષ મહેમાનો તરીકે કર્તવ્ય પથની પરેડમાં બિરાજમાન થશે.
દેશના ગૌરવ સમાન આ મહેમાનોને ગણતંત્ર દિવસની પરેડના સાક્ષી બનવા ઉપરાંત દિલ્હીમાં વિવિધ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે તેમજ પ્રધાનમંત્રી સંગ્રહાલય અને નેશનલ વોર મેમોરિયલની પણ મુલાકાત કરાવશે.