અમદાવાદઃ ગુજરાતમાં તમામ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. પણ ઘણા ધારાસભ્યો પોતાની ગ્રાન્ટનો વિકાસના કામો માટે પુરતો ઉપયોગ કરી શક્તા નથી. અમદાવાદ શહેરના 14 ધારાસભ્યોની બે વર્ષની ગ્રાન્ટમાંથી વણવપરાયેલી સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ હવે મ્યુનિ.કોર્પોરેશનના હવાલે કરવામાં આવી છે. આ રકમમાંથી મ્યુનિ. દ્વારા હવે વિકાસના કામો હાથ ધરાશે,
અમદાવાદ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષભાઇ બારોટે જણાવ્યું હતું કે, શહેરનાં જુદા જુદા મતવિસ્તારોમાથી ચૂંટાતા ધારાસભ્યોની બચત થતી ગ્રાન્ટ અગાઉ જિલ્લા આયોજન મંડળને હવાલે મુકી જિલ્લાની વિવેકાધીન જોગવાઇ ગ્રાન્ટમાં જતી હતી. જેનાં ખર્ચ માટે જિલ્લા આયોજન અધિકારી મારફતે જિલ્લા આયોજન મંડળની મંજૂરી લેવી પડતી હતી. પરંતુ તેમાં વહિવટી વિલંબ સહિતનાં કારણો ધ્યાને લઇને રાજ્ય સરકારનાં શહેરી વિકાસ વિભાગે ધારાસભ્યોનાં મતવિસ્તારમાં વિવિધ કામો માટે ફાળવેલી ગ્રાન્ટમાંથી થતી બચત જીપીએમસી એક્ટ હેઠળ જે તે મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે.કમિટી હસ્તક મુકવાનો ઠરાવ કર્યો છે. આથી અમદાવાદ શહેરનાં 14 વિધાનસભા મતવિસ્તારોનાં ધારાસભ્યોની સને 2021-22 તથા 2022-23નાં વર્ષની ગ્રાન્ટ વાપરવાની મુદત પણ 31-03-24 સુધી લંબાવવામાં આવી છે. 14 ધારાસભ્યોની બચત ગ્રાન્ટ(વણવપરાયેલી ગ્રાન્ટ)ને સરકારનાં ઠરાવ અનુસાર, સ્ટે.કમિટીની મંજૂરી મેળવી વિવેકાધિન ગ્રાન્ટમાં તબદિલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ જે તે ધારાસભ્યોનાં મતવિસ્તારમાં જ કરવામાં આવશે. પરંતુ આ બચત ગ્રાન્ટનો ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો કે વાપરવી તે સ્ટે.કમિટી નક્કી કરશે.
શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી બચત થતી રકમનો મ્યુનિ.તંત્ર પણ પૂરેપૂરો ખર્ચ ના કરી શકે તો તે રાજ્ય સરકારમાં પરત જમા કરાવવી ફરજીયાત છે, પરંતુ મ્યુનિ.નાં અધિકારીઓ અને પદાધિકારીઓ ગ્રાન્ટનો સંપૂર્ણપણે ખર્ચ થાય તેવા વિવિધ પ્રકારનાં કામો કરશે.
અત્રે ઉલ્લેખનિય છે. કે, રાજ્ય સરકારનાં આ ઠરાવથી ભાજપનાં ધારાસભ્યોને કોઇ વાંધો આવવાનો નથી, પરંતુ કોંગ્રેસનાં ધારાસભ્યોને કોઇ ફાયદો થશે નહિ. કોંગ્રેસનાં ધારાસભ્યોની બે વર્ષની મોટી રકમની ગ્રાન્ટ વણવપરાયેલી રહી છે તેનો સદઉપયોગ ભાજપ શાસિત સ્ટે.કમિટી કરશે અને તે પણ તેમની ઇચ્છા પ્રમાણે કરશે. એટલુ જ નહિ આ કામો કર્યાનો જશ પણ શાસક ભાજપ ખાટશે તે નિશ્ચિત છે.