Site icon Revoi.in

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં ૩૦૦૦થી પણ વધુ થાય છે સર્જરી

Social Share

અમદાવાદઃ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વર્ષમાં 3 હજારથી પણ વધુ સર્જરી થાય છે. એક મહિનામાં 250થી વધુ હાડકાના ઓપરેશનો થાય છે. ઓર્થોપેડીક વિભાગના ડો.પાલા સહિતની ટીમ દ્વારા રશિયન પધ્ધતિથી સર્જરીઓ કરવામાં આવે છે. આધુનિક સાધનોથી ગરીબ દર્દીઓના ઓપરેશનો થાય છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાડકાની ઉત્તમ સારવાર અને સર્જરી કરવામાં આવે છે. જેમાં ટૂંકા પગને લાંબા કરવા, ફેક્ચર, હાડકા ઇન્ફેક્શનની રસી સહિતની વિવિધ સારવાર કરવામાં આવે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના હેડ ડો.પાલા લાખણોડા સહિતની ટીમ દ્વારા રશિયન અને ઇઝરાયેલ પધ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડો.પાલાએ જણાવ્યું હતું કે, ઓર્થોપેડીક વિભાગમાં ઘણા પ્રકારના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. ખાસ તો એ કે, સિવિલમાં પેલ્વીસ હાડકા(થાપાની સર્જરી) ઓપરશેન પણ કરવામાં આવે છે.

હાડકામાં ઇન્ફેક્શનની રસીની સારવાર, ટૂંકા પગને લાંબા કરવાની સારવાર, ખોડ-ખાપણની સારવાર, લાંબા સમયથી ના જોડાતા ફેક્ચરની સારવાર, હાડકામાં જગ્યા હોય તો તેની સારવાર અને હાડકાની સાદી ગાંઠ કાઠી, હાથ-પગ સહિતની સારવાર આપવામાં આવે છે. જેમાં છેલ્લા 6 મહિનામાં રશિયન પધ્ધતિથી 20 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અદ્યત્તન સાધનો વડે વર્ષના 3000થી વધુ ઓપરેશન કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ સુવિધામાં વધારો થયો છે તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને પણ યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેથી હવે દર્દીઓને સારવાર માટે શહેરી વિસ્તાર સુધી લાંબા થવામાંથી છુટકારો મળ્યો છે.