Site icon Revoi.in

11 દિવસમાં 3300થી વધારે ચૂંટણી બોન્ડ વેચાયા, સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ દાખલ કર્યું એફિડેવિટ

Social Share

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકે બુધવારે ચૂંટણી બોન્ડના મામલામાં સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં 15 માર્ચ, 2024 સુધીમાં ખરીદવામાં આવેલા અને વટાવાયેલા ચૂંટણી બોન્ડનું વિવરણ સામેલ છે. એસબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા મુજબ, 1 એપ્રિલ, 2019થી લઈને તે વર્ષ 11 એપ્રિલ સુધીમાં કુલ 3346 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 1609 બોન્ડ કેશ કરાવાયા હતા.

એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, 12 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી સુધીમાં કુલ 22217 ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. 20421 બોન્ડ કેશ કરાવાયા હતા.

આના પહેલા એસબીઆઈએ સુપ્રીમ કોર્ટના આદેશ પર મંગળવારે સાંજે ચૂંટણી પંચને એ સંગઠનોનું વિવરણ સોંપ્યું, જેમણે હવે સમાપ્ત થઈ ગયેલા ચૂંટણી બોન્ડ ખરીદયા હતા અને રાજકીય પક્ષોએ તેમને પ્રાપ્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે સોમવારે એસબીઆઈને 12 માર્ચનો કામકાજી દિવસ સમાપ્ત થવા સુધીમાં ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડનું વિવરણ સોંપવાનો આદેશ કર્યો હતો.

આદેશ મુજબ, ચૂંટણી પંચે 15 માર્ચ સાંજે 5 વાગ્યા સુધીમાં બેંક દ્વારા શેયર કરવામાં આવેલી જાણકારી પોતાની સત્તાવાર વેબસાઈટ પર પ્રકાશિત કરી હશે.

ચૂંટણી પંચે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના 15 ફેબ્રુઆરી અને 11 માર્ચ, 2024ના આદેશના સંદર્ભે એસબીઆઈને આપવામાં આવેલા નિર્દેશોના પાલનમાં બેન્ક ઓફ ઈન્ડિયાએ ચૂંટણી પંચને 12 માર્ચના ચૂંટણી બોન્ડનું વિવરણ સોંપ્યું છે.

સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીના એક ઐતિહાસિક નિર્ણયમાં કેન્દ્રની ચૂંટણી બોન્ડ યોજનાને રદ્દ કરતા તેને ગેરબંધારણીય ગણાવી અને ચૂંટણી પંચના દાનદાતાઓ, તેમના દ્વારા આપવામાં આવેલા ફંડની રકમ અને પ્રાપ્તકર્તાઓના ખુલાસા કરવાનો આદેશ આપ્યો.

એસબીઆઈએ વિવરણનો ખુલાસો કરવા માટે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે બેંકની અરજીને ફગાવી દીધી અને તેને મંગળવારના કામકાજી સમય સમાપ્ત થવા સુધીમાં તમામ વિવરણ ચૂંટણી પંચને સોંપવા જણાવ્યું હતું.