ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 36000થી વધુ રજિસ્ટ્રેશન
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બીબીએ-બીસીએ સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાના છેલ્લો દિવસ સુધીમાં અંદાજે 36 હજાર વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહી ગયા હતા તેઓને મેસેજ કરીને પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. મુદત વધાર્યા પછી પણ ગત વર્ષ કરતાં ઓછું રજિસ્ટ્રેશન થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બીબીએ-બીસીએ અને એમએસસી-આઇટી અને એમબીએ ઇન્ટિગ્રેટેડ કોર્સની અંદાજે 40 હજારથી વધારે બેઠકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની મુદત લંબાવીને 14મી જૂન કરાઈ હતી. રજિસ્ટ્રેશનના છેલ્લા દિવસ સુધીમાં 36 હજાર વિદ્યાર્થીએ ફોર્મ સબમીટ કરાવી દીધા છે. હવે કેટલા ફોર્મ ભરાયા તે સહિતની વિગતો જાહેર કરાશે. જોકે, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓછા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કારણ કે યુનિવર્સિટી સાથે જોડાયેલી સંસ્થાઓને પ્રાઇવેટ યુનિવર્સિટીની માન્યતા મળતાં તેઓએ પોતાની સ્વનિર્ભર કોમર્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરી દીધી છે. જેના કારણે બેઠકોમાં ઘટાડો થવા ઉપરાંત વિદ્યાર્થીઓમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અનામત કેટેગરીમાં આવતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કર્યા હોય તેમને સમિતિ દ્વારા મેસેજ કરીને કામગીરી પૂરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. બીજીબાજુ યુનિવર્સિટીમાં ચાલતાં પ્રાઇવેટ કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ વધુ ઉત્સાહ દાખવ્યો ન હોય તેવી સ્થિતિ રજિસ્ટ્રેશનના આધારે જોવા મળી રહી છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા આશ્રમ રોડ પર આવેલી સી.યુ.શાહ કોલેજ કેમ્પસની ચાર કોલેજોમાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવાનો નિર્ણય કર્યો છે. એબીવીપી દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીમાં હવન કરીને સત્તાધીશોને ભગવાન સદ્દબુધ્ધિ આપે તેવી પ્રાર્થના કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી દિવસોમાં આ કોલેજ કેમ્પસની ચાર કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની કાર્યપધ્ધતિ સામે આક્ષેપો કરીને કોઇપણ સ્થિતિમાં આ કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશની માંગ કરી હતી.