અમદાવાદઃ શહેરની પ્રદુષિત ગણાતી સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે હાઈકોર્ટે પણ ટકોર કર્યા બાદ તંત્ર જાગ્યું હતું. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રથમ કેટલાક ઉદ્યોગોનું પ્રદુષિત પાણી નદીમાં ઠલવાતું હતું તેવા ઉદ્યોગોના ગટરના જોડાણો કાપી નાંખવામાં આવ્યા હતા, અને નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન આદરવામાં આવ્યું હતું દરમિયાન નર્મદાના પાણીથી ભરી રાખવામાં આવતી અને સરોવરસમી બની ગયેલી સાબરમતી નદીના રિવરફ્રન્ટના બન્ને કિનારે પાણીમાં લીલ તેમજ જંગલી વેલ પથરાઈ ગઈ હતી. આથી મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો હતો. તેમજ નદીનું પાણી દુર્ગંધ મારતુ હતું. તેથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રિવર ફ્રન્ટ પર નદીમાં જંગલી વનસ્પતી અને લીલ કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શહેરના સાબરમતી નદીમાં ફેલાયેલી ગ્રીન વેસ્ટ (પાનકુટ્ટી) તેમજ જંગલી વનસ્પતીને દુર કરવા માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નદીમાંથી આવી 3897 ટન જેટલી વનસ્પતી કાઢી નાંખવામાં આવી છે. જે સાથે સાબરમતી નદીને મહત્તમ સફાઇ કરવામાં આવી છે.
સૂત્રોના કહેવા મુજબ શહેરની સાબરમતી નદીમાં ઉપરવાસના ભાગમાંથી પવનને કારણે ગ્રીન વેસ્ટ આવે છે, ત્યારે સ્કીમર મશીનનો ઉપયોગ કરીને તેને દુર કરવાની કામગીરી કરવામાં આવે છે. ચિલ્ડ્રનપાર્કથી રેલવે બ્રીજથી સુભાષબ્રીજ સુધીના વિસ્તારમાં મેનપાવર દ્વારા ગ્રીન વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો.છેલ્લા કેટલાક દિવસોમાં નદીમાંથી સ્કીમર મશીન મારફતે રોજનો 15 થી 17 ટન તથા મેનપાવરનો ઉપયોગ કરીને રોજનો 5 થી 7 ટન જેટલો ગ્રીન વેસ્ટ બહાર કાઢવામાં આવતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જળકુંભી જેવી વનસ્પતિ 24 કલાકમાં બમણી થતી હોય છે. આ વનસ્પતિના થર એ રીતે પાણીમાં ફેલાઈ જાય છે કે નદીનું પાણી પણ જોઈ શકાતું નથી.