અમદાવાદઃ ગુજરાતમાં અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ આંખ આવવાના( કન્ઝેક્ટિવાઈટિસ)ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ તેમજ સરકારી દવાખાનાઓમાં દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરની સરકારી હોસ્પિટલોમાં રોજ 400 દર્દીઓ કન્ઝેક્ટિવાઈટિસની સારવાર લેવા માટે આવી રહ્યા છે. જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ઘણા કન્ઝેક્ટિવાઈટિસના દર્દીઓ મેડિકલમાંથી આંખના ટીપા લઈને ઘરે જ પોતાની રીતે આંખની સારવાર કરી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કન્ઝક્ટિવાઇટિસના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો જોવા મળી રહ્યો છે. કન્ઝેક્ટિવાઇટિસના કેસને મામલે અમદાવાદ શહેર ધીર-ધીરે હોટ સ્પોટ’ બની રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં કન્ઝેક્ટિવાઇટિસના 153 કેસ સામે આવ્યા હતા. સરકારી હોસ્પિટલ સહિત અમદાવાદમાં કન્ઝક્ટિવાઇટિસના દ૨રોજ સરેરાશ 400થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે.
કન્ઝક્ટિવાઇટિસને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવામાં આવે છે. આંખમાં રહેલા મેમ્બ્રેન્સમાં સોજો આવવાથી આંખ સોજો આવે છે અને તે લાલ થઇ જાય છે. અમદાવાદ શહેરમાં છેલ્લાં એક અઠવાડિયાથી કન્ઝેક્ટિવાઇટિસના કેસ સતત વધી રહ્યા છે. એક અઠવાડિયા પહેલાં સિવિલમાં દ૨રોજના સરેરાશ 10થી 15 કેસ આવતા હતા. જેની સરખામણીએ હવે કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે શહેરની સિવિલમાં કન્ઝેક્ટિવાઈટિસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.
આ અંગે અસારવા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, એક જ દિવસમાં ઓપીડીમાં 153 દર્દી કન્ઝક્ટિવાઇટિસની સમસ્યા સાથે આવ્યા હતા. નોંધાયેલા કન્ઝક્ટિવાઇટિસના દર્દી અત્યારસુધીના સૌથી વધુ છે. આ અગાઉ છેલ્લા ચાર દિવસથી દ૨રોજના સરેરાશ 80ની કેસ નોંધાતા હતા. આમ, કન્ઝક્ટિવાઇટિસના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.