Site icon Revoi.in

ગુજરાતના 400થી વધુ માછીમારો પાકિસ્તાની જેલમાં સબડી રહ્યા છે, તેના પરિવારોની કફોડી હાલત

Social Share

વેરાવળઃ ગુજરાતના 400થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. ત્યારે માછીમારોના પરિવારો વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યા છે. પરિવારની આજીવિકાના પ્રશ્નો પણ ઊભા થયા છે. ત્યારે સરકારે પણ રાજદ્વારી વાટાઘાટો શરૂ કરીને પાકિસ્તાન જેલમાં બંધ માછીમારીની મુક્તિ માટેના પ્રયાસો કરવા જોઈએ એવી માછીમારોના પરિવારોમાં લાગણી ઊઠી છે.  ગીરસમોમનાથ જિલ્લાના ઊના તાલુકાના દાંડી ગામના 29 જેટલા પુરુષો પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેના કારણે આ ગામની દીકરીઓ, પત્નીઓ અને બહેનો પોતાના સ્વજની રાહ જોઈ રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગીર સોમનાથ જિલ્લા સહિત દેશભરના માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે. જેમાં દેશભરના અલગ અલગ વિસ્તારોના 666 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. જે પૈકી 400 જેટલા માછીમારો તો માત્ર ગીર  સોમનાથ જિલ્લાના છે.  જેમના પરિવારજનો  સરકાર પાસે આશા રાખી રહ્યા છે. પાકિસ્તાન જેલમાં કેદ અનેક માછીમારો તો એવા છે કે જેમને પાંચ પાંચ વર્ષ વીતી ચુક્યા છે. તેમ છતાં મુક્ત કરાયા નથી. નિયમ મુજબ ત્રણ વર્ષમાં માછીમારોને મુક્ત કરવાના હોય છે. પરંતુ પાંચ વર્ષ થવા છતાં ઘણા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા નથી. માછીમારો  પાકિસ્તાનની જેલમાં  કેદ છે તેમના પરિવારને ગુજરાત સરકાર સહાય ચૂકવે છે. પરંતુ અનેક માછીમાર પરિવારનું કહેવું છે કે, કોઈ કારણોસર બીજા અનેક માછીમારોના પરિવારો એવા પણ છે જેમને સહાય મળતી નથી. જેથી તેમના બાળકો મજૂરી કામ કરવા મજબૂર બન્યા છે.  છેલ્લા કેટલાક વર્ષથી પાકિસ્તાન સાથે ભારતના સબંધમાં કડવાશ આવ્યા બાદ નિર્દોષ માછીમારો આ બંનેની દુશ્મનીનો ભોગ બની રહ્યા છે. જે સમય મર્યાદામાં માછીમારો મુક્ત થવા જોઈએ તેના બદલે વર્ષો વીતવા છતાં મુક્ત ન થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે.

પાકિસ્તાનની જેલમાં ત્રણ વર્ષ સજા ભોગવીને પરત ફરેલા એક માછીમારે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યુ કે, વહેલી તકે બંધક માછીમારોને છોડાવવામાં આવે. જે ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે તે પૈકી કોઈ બીમાર પડે ત્યારે માત્ર ભગવાન જ ભરોસે રહે. ત્યાં કોઈ ભારતીય માછીમાર કેદીની યોગ્ય સારવાર થતી નથી કે નથી તેને હોસ્પિટલે લઈ જવામાં આવતા. કાં તો તેમને ભગવાન બચાવે અથવા તો તેમનો મૃતદેહ જ ઘરે આવે છે.