Site icon Revoi.in

બનાસકાંઠાના મુડેઠા ગામે યોજાયેલી અશ્વદોડ સ્પર્ધામાં 400થી વધુ અશ્વસવારોએ લીધો ભાગ

Social Share

પાલનપુરઃ ગામડાંઓમાં તહેવારોનું મહાત્મ્ય વધુ હોય છે. તમામ તહેવારો ગ્રામજનો સાથે મળીને ઊજવતા હોય છે. કેટલાક ગામોમાં વર્ષોથી પરંપરાગત સ્પર્ધાઓનું આયોજન કરાતું હોય છે. ઝાલાવાડના કેટલાક ગામોમાં બેસતા વર્ષે ગોવાળો પાછળ ગાયો દોડાવવાની સ્પર્ધા યોજાઈ હતી. જ્યારે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે વર્ષોથી પરંપરાગત યોજાતી અશ્વદોડ સ્પર્ધા ભાઈબીજના દિને યોજવામાં આવી હતી. જેમાં 400થી વધુ અશ્વસવારોએ પોતાના પાણીદાર અશ્વો સાથે ભાદ લીધો હતો. આ સ્પર્ધા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજવામાં આવે છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દુર દુરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. ભાઈ બીજના દિને દરબાર અને રાજપૂત સમાજના લોકો પોતાની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે.  ક્ષત્રિય – દરબાર સમાજના લોકોનો ઈતિહાસ ખુબ જ ઉજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે.

મુડેઠા ગામમાં છેલ્લા સાડા સાતસો વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દુર દુરથી હજજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. રફતાર અને શોર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી ખુબ જ અઘરી બની જતી હોય છે, પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહીં કોઈપણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી.

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહિ, પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગામે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઉભરાયું હોય તે માહોલ જોવા મળ્યો હતો. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ સાડા સાતસો વર્ષ જુનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે.