ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોની આળસને કારણે અનેક યોજનાઓ સફળ થતી નથી. મ્યુનિ. દ્વારા એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના અન્ય શહેરો કરતા આગળ ધપવા કાગળ પર પ્રયાસ કરે છે જ્યારે બીજી તરફ સ્વચ્છતા માટે અતિ આવશ્યક એવી ઘરે ઘરે આપવાની 41202 ડસ્ટબીનો ધુળ ખાય છે. જેને વિતરણ કરવાની તંત્ર દ્વારા ખાતરી અપાયા બાદ પણ એક મહિને એક પણ ડસ્ટબીન અપાઈ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરની સ્વચ્છતા માટે ટેમ્પલ બેલ અને ઘરે ઘરે ડસ્ટબીનનો પ્રયોગ સફળ નીવડ્યો છે. પરંતુ હજુ અનેક વિસ્તારમાં ઘરે ઘરે ડસ્ટબીન પહોંચ્યા નથી અને તેની તંત્રને ગંભીરતા પણ નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2017-18 થી 2019-20 દરમિયાન 1,78,000 નંગ ડસ્ટબીનોની રૂ.1,01,70,549 ના ખર્ચે ખરીદ કરી હતી. અને તે પૈકી 41,202 નંગ ડસ્ટબીનોનું વિતરણ ન કરાતા વર્ષોથી ધુળ ખાય છે. જે સંદર્ભે એક મહિના પહેલા સાધારણ સભામાં પ્રશ્ન પણ પુછાયો હતો અને તત્કાલીન સમયે સબંધિત અધિકારી દ્વારા જે લોકો બાકી છે તેને ડસ્ટબીન વિતરણ કરવાની ખાતરી આપી હોવા છતાં હજુ સુધીમાં એક પણ ડસ્ટબીનનું વિતરણ કરાયુ નથી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કચેરીઓમાં ડસ્ટબીન ભંગાર થઈ રહ્યા છે છતાં પ્રજાજનોને વિતરણ કરાતા નથી. તંત્ર વાહકો દ્વારા વાત કરી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. અને બોર્ડ દ્વારા લીલી ઝંડી પણ આપી હતી. છતાં બોર્ડની પણ અવગણના કરાતી હોય તેમ લોકોને ડસ્ટબીનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.