અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વહિવટ માટે મુખ્ય ગણાતી જિલ્લાઓની શિક્ષણાધિકારી કચેરીઓમાં ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસર (ડીઈઓ) તેમજ જિલ્લા પંચાયતો હસ્તકની શાળાઓ માટે ડિસ્ટ્રીક પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર (ડીપીઈઓ) 45 જેટલી જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણના વહિવટ તેમજ નવી નીતિના અમલી કરણ માટે મુશ્કેલી પડી રહી છે. જો કે રાજ્યના શિક્ષણ મંત્રીએ તાજેતરમાં એવું આશ્વાસન આપ્યું હતું કે, ટુંક સમયમાં જ ડીઈઓ અને ડીપીઈઓની ખાલી જગ્યાઓ પર નવી નિમણૂકો આપી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા શિક્ષણ વિભાગે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ જ્ઞાનશક્તિ-પ્રોજેક્ટ સહિત નવી શિક્ષણ નીતિના અમલ માટે પણ શિક્ષણ વિભાગે કવાયત શરૂ કરી દીધી છે. પરંતુ જિલ્લાઓમાં શિક્ષણાધિકારીની જગ્યાઓ ખાલી હોવાથી સરકારી નીતિના અમલીકરણ અને એના દેખરેખ માટે ધ્યાન આપી શકાતુ નથી. રાજ્યના 33 જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી (ડી.ઇ.ઓ.), તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી (ડીપીઓ) મળીને કૂલ 45 થી વધુ જગ્યાઓ ખાલી પડી છે. જેના પગલે વહીવટમાં અનેક રૂકાવટો ઉભી થઈ રહી છે. હાલ જે શિક્ષણાધિકારીઓ કાર્યરત છે. એમાંથી પણ કેટલાક વય મર્યાદાને કારણે નિવૃત થઈ રહ્યા છે. જેમાં રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા ભરતભાઇ કૈલા તાજેતમાં નિવૃત્ત થતા જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની એમ બંને જગ્યા ખાલી પડી છે. આવી જ રીતે સૌરાષ્ટ્રમાં જામનગર અને મોરબીમાં પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓની જગ્યા ખાલી પડી છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના 33 જિલ્લાઓમાં 45 થી વધુ શિક્ષણાધિકારીઓની જગ્યા ખાલી પડી છે. જેના કારણે વહીવટમાં રૂકાવટો ઉભી થઇ રહી છે. વર્ગ-1ના અધિકારીઓના અભાવે સરકારી અને ખાનગી શાળાઓ પર જે દેખરેખ રાખવી જોઇએ તે રાખી શકાતી ન હોવાની ફરિયાદો ઉઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એજ્યુકેશન ઇન્સ્પેકટરો અને સરકારી માધ્યમિક શાળાઓના આચાર્યોને સિનિયોરીટીના ધોરણે શિક્ષણ સેવા સંવર્ગ-1માં બઢતી આપવા માટે યાદી પણ તૈયાર કરી દેવામાં આવી છે. પરંતુ કોઇ કારણોસર કામગીરી અટકી પડી હોય અનેક અધિકારીઓ બઢતીની પ્રતિક્ષા કરી રહ્યા છે. તાજેતરમાં શિક્ષણ મંત્રીએ પણ જાહેર કર્યું હતું કે પ્રકાશ પર્વ દિપાવલી બાદ રાજ્યમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓની ખાલી પડેલી જગ્યા ભરી દેવાશે. રાજ્યમાં હાલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણાધિકારીઓની 35થી વધુ જગ્યાઓ ખાલી હોય વહીવટમાં અનેક રૂકાવટો ઉભી થયાની ફરિયાદો ઉઠી છે.