નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતના વિરોધમાં સતત હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. હિંસા વચ્ચે ભારતીયો વતન પરત આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 4500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી વતન પરત ફર્યા છે. આ સિવાય 500 નેપાળી સ્ટુડન્ટ્સ, 38 ભૂટાની સ્ટુડન્ટ્સ અને 1 માલદીવિયન સ્ટુડન્ટ પણ ભારત આવ્યા હતા. ભારતીય હાઈ કમિશન પણ વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે. તો ભારતીય વિદેશ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિક ઉડ્ડયન, ઇમિગ્રેશન, બંદરગાહ અને સીમા સુરક્ષા દળને સહકાર આપી રહ્યું છે…
અત્યાર સુધીમાં 4500થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી ભારત પરત ફર્યા છે. હાઈ કમિશન ભારતીય નાગરિકોની સરહદ ક્રોસિંગ પોઈન્ટ પર સલામત મુસાફરી માટે સુરક્ષા એસ્કોર્ટની વ્યવસ્થા કરી રહ્યું છે. નેપાળમાંથી 500, ભૂટાનથી 38 અને માલદીવમાંથી 1 વિદ્યાર્થી પણ ભારત પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની હાઈકોર્ટે સરકારી નોકરીઓમાં અનામત જાળવી રાખવાનો ચુકાદો આપ્યો હતો,
ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો કર્યા બાદ હિંસા ફાટી નીકળી છે. અહીં અનેક જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી છે. પથ્થરમારો, ગોળીબાર, ટીયર ગેસના સેલ છોડવા સહિત જેલમાં આગ ચાંપવાની ઘટના બન્યા બાદ સ્થિતિ વધુ વણસી છે. આ હિંસક દેખાવોમાં અત્યાર સુધીમાં 133 લોકોના મોત થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા યોજાયેલી શહીદ દિવસ રેલીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંબોધનમાં કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે, તો અમે તેમને શરણ આપીશું. હું ઈચ્છું છું કે, ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો સારા રહે.’ આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થિક સંબંધીત પ્રસ્તાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.