Site icon Revoi.in

મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની 45264 કટ્ટાથી વધુ આવક

Social Share

ભાવનગર:  ગોહિલવાડમાં મહુવા અને તળાજા પંથકમાં ડુંગળીનો સૌથી વધુ પાક થાય છે. તેથી મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની સૌથી વધુ આવક થાય છે. હાલ મહુવા યાર્ડમાં ડુંગળીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં ગઈકાલે 45264 કટ્ટા લાલ ડુંગળીની આવક થઈ હતી. જયારે ભાવનગર યાર્ડમાં ડુંગળીની આવક ધીમી ગતિએ થઈ રહી છે. ખેડુતોને ડુંગળીના પ્રતિ 20 કિલોના 200થી લઈને 800 મળી રહ્યા છે.

મહુવા યાર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ  તા. 28 નવેંબરના રોજ 45264 કટ્ટા લાલ ડુંગળીની આવક થઈ છે. ડુંગીના પ્રતિ 20 કિલોના ભાવ સૌથી  નીચા રુ. 200 અને સૌથી ઊંચા ભાવ રુ. 808 ખેડૂતોને મળ્યા હતા.  જ્યારે સફેદ ડુંગળીની 8370  કટ્ટાની આવક થઈ હતી. જેમાં સફેદ જૂની ડુંગળીના નીચા ભાવ રુ. 350 થી રુ. 1015 મળ્યા હતા. જ્યારે સફેદ નવી ડુંગળીમાં નીચા રુ, 300 અને ઊંચા ભાવ રુ. 851 મળ્યા હતા.

ભાવનગરનો મહુવા તાલુકો ડુંગળી પકવવામાં મોખરે ગણાય છે. ત્યારે મહુવા યાર્ડમાં ઓક્ટોંબર મહિનાથી ડુંગળીની આવક શરૂ થઈ હતી. ઓક્ટોંબરમાં ડુંગળીની શરૂઆત થતાં 23 ઓક્ટોંબરે 4843 લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની 434 થેલીની આવક થવા પામી હતી. જો કે ત્યારે ભાવ લાલ ડુંગળીના નીચા ભાવ 103 અને ઊંચા ભાવ 928 રહ્યા હતા. જ્યારે સફેદ ડુંગળીમાં 253 નીચા અને 500 ઊંચા ભાવ રહેવા પામ્યા હતા. જો કે જાન્યુઆરી સુધીમાં લાખોમાં ડુંગળીની આવક થતી હોય છે. પણ ઓક્ટોંબર મહિનો આવકનો પ્રારંભિક મહિનો કહેવાય છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડના જાહેર થયેલા 28 નવેંબરના ભાવપત્રકમાં લાલ ડુંગળી આવક 3860 થેલી થઇ છે. જ્યારે તેના નીચા ભાવ રુ. 225 અને ઊંચા ભાવ રુ. 876 મળવાપાત્ર થયા છે. જ્યારે સફેદ ડુંગળીની 2 ગુણીની માત્ર આવક થઈ હતી. જેમાં ઓછો ભાવ રુ. 413 અને વધુ ભાવ રુ. 413 મળ્યો છે. આમ જિલ્લામાં ખરીફ પાકની તૈયાર થઈ ગયેલી માર્કેટીંગ યાર્ડમાં આવવાનો પ્રારંભ થયો છે.