અમદાવાદઃ છેલ્લા બે વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઈટ- ‘રાણીની વાવ’ની અંદાજે 5 લાખથી વધુ ભારતીય તેમજ 4 હજારથી વધુ વિદેશી સહેલાણીઓ મુલાકાતે આવ્યા. જળ વ્યવસ્થાપન તેમજ કલાની દ્રષ્ટીએ ઉત્તમ ઉદાહરણ એવી પાટણ ખાતે આવેલી રાણીની વાવને યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં “વર્લ્ડ હેરિટેજ સાઇટ”માં સ્થાન આપવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં 19થી 25 નવેમ્બર 2024 દરમિયાન “વર્લ્ડ હેરિટેજ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના પાટણ સ્થિત વર્લ્ડ હેરિટેજ સાઈટ “રાણીની વાવ” વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવેશ અને કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ચલણી નોટ 100 રૂપિયા પર રાણીની વાવના ચિત્રને અંકિત કરવામાં આવ્યું છે. જેથી વિશ્વભરમાં રાણીની વાવની પ્રવાસન અને ઐતિહાસિક રીતે લોકચાહના વધી છે, જેના પરિણામે સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભારતના ખૂણે ખૂણેથી અને અન્ય દેશમાંથી પ્રવાસીઓ આ અદભુત વાવને નિહાળવા ઉમટી પડે છે.
ગત નાણાકીય વર્ષ 2023 થી 2024 દરમિયાન અંદાજે 3.52 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ અને 3327 વિદેશી સહેલાણીઓ રાણીની વાવને જોવા ઉમટ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે ઓકટોબર માસ સુધીમાં 1.58 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓ તેમજ 962 જેટલા વિદેશી પ્રવાસીઓ રાણીની વાવ જોવા આવ્યા છે. આ રાણીની વાવની અદભૂત કળા અને કોતરણીથી પ્રવાસીઓ ખૂબ જ અભિભૂત થાય છે. દેશમાં સ્વચ્છતા, સેનિટેશન બાબતે શાળા, હોસ્પિટલ, રાજ્ય વગેરે મળી 10 સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2016માં પાટણ શહેરમાં આવેલ આ વર્લ્ડ હેરીટેજ સાઇટ રાણીની વાવને “આઇકોનિક ક્લીન પ્લેસ” તરીકે પંસદગી થતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
પાટણ પ્રાચીન કાળમાં લગભગ 600 વર્ષોથી પણ વધુ સમય સુધી ગુજરાતની ઐતિહાસિક રાજધાની રહ્યું હતું. પાટણમાં પ્રતાપી સોલંકી વંશે ઇ.સ. 942થી 1134ના મધ્ય કાળ સુધી શાસન કર્યું હતું, જે એ સમયે પશ્ચિમ ભારતની રાજધાની તરીકે પ્રખ્યાત હતું. જેના ફળસ્વરૂપે પાટણમાં કેટલાક મંદિરો, મસ્જીદો, મકબરા, વાવ અને તળાવો વગેરેના અવશેષો પ્રાપ્ત થયા છે. રાણીની વાવ આ બધા સ્મારકોમાં તત્કાલીન સ્મારકો તથા કલાની દ્રષ્ટીએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડે છે.