હિમતનગરઃ ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં બટાકાનું સૌથી વધુ વાવેતર થતું હોય છે. આ વિસ્તારની જમીન પણ બટાકાના વાવેતર માટે સાનુકૂળ છે. અને તેથી ખેડુતો બટાકાનું સારૂએવું ઉત્પાદન મેળવી શકે છે. બનાસકાંઠાના ડીસા તાલુકો તો બટાકાના ખેત ઉત્પાદન માટેનું હબ ગણાય છે. તેથી આ વિસ્તારમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. બહારના રાજ્યોના વેપારીઓ પણ બટાકાની ખરીદી કરવા માટે આ વિસ્તારમાં આવતા હોય છે. આ વખતે સારા ભાવ મળવાની આશાએ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ખેડુતોએ 5 હજાર હેકટરથી વધુ જમીનમાં બટાકાનું વાવેતર કર્યું છે. એટલે સાબરકાંઠામાં હિંમતનગર તાલુકો બટાકાના વાવેતરમાં જિલ્લામાં મોખરે રહે તેવી શક્યતા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં બટાકા પાકનું મોટા પાયે વાવેતર કરાઇ રહ્યું છે. ખેડૂતોએ ચીલાચાલુ ખેતી પાકને છોડી ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને આવક આપતાં બટાકાના પાક તરફ વળ્યા છે. હાલ હિંમતનગરના બટાકા પાકનો ગઢ ગણાતા ગાંભોઈ અને રૂપાલના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો બટાકાની વાવણી કામમાં જોડાયા છે અને તાલુકામાં અત્યારસુધીમાં 5 હજાર હેકટરથી વધુ જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે. ગાંભોઈ ઉપરાંત રાયગઢ, નિકોડા, મનોરપુર, રૂપાલ, ખેડ, બાવસર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ વેફર માટે સ્પેશિયલ સુગર વગરના એલ.આર.બટાકાની જાત તેમજ શાક બજારના સફેદ બાદશાહ જાતના બટાકાનું વાવેતર કરી રહ્યા છે. કોરોના મહામારીના વર્ષ દરમિયાન બજાર ભાવ ગગડી જતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની જતા ભારે આર્થિક નુકસાન ભોગવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સાબરકાંઠામાં ખેડૂતો 50 કિલો કટ્ટાના 1700 થી 1800 રૂપિયા મુજબ બિયારણની ખરીદી ઉપરાંત ડી.એ.પી., પોટાશ અને સેન્દ્રીય ખાતર વગેરેની ખરીદી કરી બટાકા પાકના વાવેતરમાં આગોતરું ખર્ચ કર્યુ છે. ત્રણ માસમાં ઉત્પાદન આપતાં આ બટાકા પાકની ખેતીમાં માલની ઊપજ અને ગુણવત્તા મુજબ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે મુજબ વેપારીઓ પાસે એડવાન્સ સોદા કરી ઉત્પાદિત માલના વેચાણની વ્યવસ્થા કરી છે. આ વર્ષે સારા વરસાદને કારણે બટાકાપાકના વાવેતરના પ્રમાણમાં વધારો થઈ શકે છે.