નવી દિલ્હીઃ તાઈવાનમાં આવેલા ગોઝારા ભૂંકપને પગલે ચારેય તરફ તબાહીના દ્રશ્યો સર્જાયાં છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવની કામગીરી કરવીમાં આવી છે. આ વચ્ચે તાઈવાનમાં 24 કલાકના સમયગાળામાં 50થી વધારે આફ્ટરશોક્સ અનુભવાયાં હતા. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. ગોઝારા ભૂકંપમાં મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
તાઇવાનમાં આવેલા 25 વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ દેશમાં તબાહી લાવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર તાઇવાનના ઓછી વસ્તીવાળા પૂર્વ તટીયથી થોડેક દૂર હતું. 7.4ની તીવ્રતાના ભૂકંપમાં અત્યાર સુધીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, ઘણા લોકો હજુ પણ ઇમારતોમાં ફસાયેલા છે. ઘણી જૂની ઈમારતોની છત ધરાશાયી થઈ ગઈ છે. આ સિવાય હોટલના 50 કર્મચારીઓ ગુમ હોવાનું કહેવાય છે. યારેબાજુથી તારાજીના ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. હવામાન અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપથી અત્યાર સુધીમાં 50થી વધુ આફ્ટરશોક્સ અનુભવાયા છે.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે તેના બચાવ પ્રયાસો ક્રોસ-ટાપુ હાઇવે પર ફસાયેલા લોકો પર કેન્દ્રિત છે જે હુઆલીનને તાઇવાનના પશ્ચિમ કિનારે જોડતી ખીણમાંથી પસાર થાય છે અને તે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. અધિકારીઓ ખીણમાં લોકોને શોધવા માટે ડ્રોન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. ફાયર વિભાગે જણાવ્યું કે ગુરુવારે સવારે એક હેલિકોપ્ટરે ખાણ વિસ્તારમાં ફસાયેલા છ લોકોને બચાવ્યા હતા. જો કે, હુઆલીન સુધીની રેલવે લાઇન પણ ગુરુવારે નિર્ધારિત સમય પહેલા ફરી ખોલવામાં આવી હતી.