યંગુન: મ્યાંમારના ઉત્તરીય રાજ્ય કચિનમાં ઝેડ ખાણની પાસે ભૂસ્ખલનમાં 50થી વધારે લોકોની મોતની આશંકા છે. ઘણાં લોકો હજી પણ ગુમ છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, કચિનમાં કચરાના ઢગલા ધસી પડવાને કારણે ઝેડ પથ્થરની ખાણમાં કામ કરી રહેલા ખાણિયાઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં એ લોકોના પણ મોત નીપજ્યા હતા, જે કચરાના ઢગલામાં ઝેડ પથ્થરના ટુકડા શોધવાનું કામ કરી રહ્યા હતા.
મૃતકોમાં સામેલ ઘણાં લોકો કચરાના ઢગલાની આસપાસ રહેનારા અને કચરો ઉપાડનારા હતા. આ લોકો આ ઢગલામાં ઝેડના ટુકડા શોધવા માટે આવતા હતા. દુનિયાના શ્રેષ્ઠ ઝેડનું ઉત્પાદન કચિન રાજ્યમાં થાય છે.
પોલીસે કહ્યું છે કે ભૂસ્ખલનની ઘટનામાં ઘણાં લોકો ગાયબ થયા છે. મ્યાંમાર રેડ ક્રોસની સાથે જ પોલીસ અને સેના બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવાની કોશિશો હાથ ધરાઈ છે.
મ્યાંમારના માહિતી ખાતાનું કહેવું છે કે અત્યાર સુધીમાં 54 કર્મચારીઓના ગાયબ થવાના અહેવાલ છે. સ્થાનિક અખબાર પ્રમાણે, કચરાનો ઢગલો ધસી પડવાના કારણ અત્યાર સુધી જાણી શકાયા નથી.