અમદાવાદઃ શહેરના સાયન્સ સીટી રોડ પર શુકન મોલ પાસે સવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિઝર્વ પ્લોટમાં ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સરદાર આવાસ યોજનાની ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. 50થી વધુ ઝૂંપડપટ્ટી તોડી નાંખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલીકીનો રિઝર્વ પ્લોટ ખૂલ્લો કરવામાં આવ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના હુકમ બાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરાયું હતું. મ્યુનિ. કોર્પોરેશનના દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આવાસ યોજનામાં મકાનોની ફાળવણી કરવામાં આવે છે. જેમાં સાયન્સસિટી વિસ્તારમાં મ્યુનિ.ના પ્લોટ્સના રહીશોને પણ આવાસ યોજનામાં મકાનોની ફાળવણી કરાશે.. પીડિતોને સરકાર દ્વારા રહેઠાણની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. સાયન્સ સીટી રોડ પર આવાસ યોજના માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ઘણા મ્યુનિ.ના પ્લોટ્સ પર દબાણો કરાયેલા છે. મ્યુનિ. દ્વારા આવાસ યોજનાઓ માટે કે અન્ય હેતુ માટે પ્લોટ્સની જરીરિયાત ઊભી થતા પ્લોટ્સ ખાલી કરાવવામાં પણ આવે છે. શહેરમાં રિવરફ્રન્ટ યોજનામાં ઝૂંપડપટ્ટીના રહીશોને આવાસો ફાળવાયા બાદ પણ કેટલાક રહીશો પોતાના મુળ સ્થાને પરત આવી ગયા હતા. આખરે સમજાવીને પરત મોકલવા પડ્યા હતા. એટલે લોકોને મકાનો ફાળવ્યા બાદ પણ દબાણો કરેલી મુળ જગ્યાએ પરત આવી જતાં હોય છે.
અત્રે ઉલ્લેખનિય છે. કે, શહેરમાં 6 દિવસ પહેલા જ ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા મહત્ત્વના પ્લોટ પર લાંબા સમયથી ઊભા થયેલા 22 જેટલાં પાકાં મકાન અને 100 ઝૂંપડાને મ્યુનિ.એ તોડી પાડ્યાં હતા. લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ લાંબી કાનૂની જંગ બાદ આખરે ચુકાદો કલેકટરની તરફેણમાં આવતાં આ મકાનો તોડી પડાયાં હતા. હવે આ જગ્યા પર આસપાસના રહીશોની પાણીની સમસ્યા ઉકેલવા ટાંકી બનાવાશે.