Site icon Revoi.in

બાંગ્લાદેશની એક ફેકટરીમાં ભીષણ આગઃ 50થી વધારે લોકોના મોત

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં એક ફેકટરીમાં ભિષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 50 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 30થી વધારે લોકો ગંભીર રીતે દાઝતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ફેકટરીમાં આગ લાગતા કેટલાક શ્રમજીવીઓએ પોતાનો જીવ બચાવવા માટે ઉંચી ઈમારત ઉપરથી છલાંગ લગાવી હતી. હજુ 12થી વધારે વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો નથી. મૃતકઆંક હજુ વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશની રાજધાની નજીક આવેલા ઔદ્યોગિક શહેર રૂપગંજ સ્થિત એક કારખાનમાં અચાનક આગ લાગી હતી. આ ફુટ પ્રોસેસીંગ ફેકટરી હોવાનું જાણવા મળે છે. શ્રમજીવીઓ ફેકટરીમાં કામ કરતા હતા દરમિયાન અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી અને ગણતરીના કલાકોમાં જ આગે વિકરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યાં હતા. ફેક્ટરીમાં લાગેલી આગ બાદ કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા ઉંચી ઇમારત પરથી કૂદકો મારી દીધો હતો, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભીષણ જ્વાળાઓમાં ફસાયેલા ઓછામાં ઓછા 52 લોકો આ ભારે આગમાં મૃત્યુ પામ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ સ્થાનિક રાજકીય આગેવનો પણ સ્થળ પર દોડી ગયા હતા.