બે મહિનામાં ગેરકાયદે રીતે તબીબી પ્રેકટિસ કરતા 50થી વધારે “મુન્નાભાઈ MBBS” ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં મોટી સંખ્યામાં કોઈ પણ સર્ટીફિકેટ વિના કેટલાગક શખ્સો તબીબી પ્રેકટીસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી રાજ્યના પોલીસ વડાએ આવા કહેવાતા તબીબો એટલે કે મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લેવા માટે સૂચના આપી હતી. પોલીસે સમગ્ર રાજ્યમાંથી બે મહિનાના સમયગાળામાં 50થી વધારે બોગસ તબીબોને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. પોલીસે નકલી તબીબોને ઝડપી લેવા અભિયાન શરૂ કરતા બોગસ તબીબોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મોટાભાગના નકલી તબીબો ગ્રામીણ વિસ્તારમાંથી ઝડપાયાં હતા.
કોરોના કાળમાં નકલી તબીબોને ઝડપી લેવા માટે રાજયના પોલીસ વડાએ સુચના આપી હતી. જેથી તા. 1 એપ્રિલથી પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. બે મહિનાના સમયગાળામાં 50થી વધારે બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યાં છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 9, વડોદરા ગ્રામ્યમાં 4, પંચમહાલ જિલ્લામાં 4 અને મોરબી જિલ્લામાં એક નકલી ડોક્ટર પકડાયો છે. આ ડોક્ટરો ડુપ્લિકેટ ડિગ્રીને આધારે, નકલી સર્ટિફિકેટને આધારે લોકોની સારવાર કરતા અને રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે સમગ્ર રાજ્યમાંથી બે દિવસમાં જ 18 બોગસ ડોક્ટરોને ઝડપી લીધા છે. પંચમહાલના શીલરાજપુરમાંથી ગિરીશ પટેલ નામના આ બોગસ તબીબની પોલીસે ઝડપી તેની પાસેથી 2.26 લાખની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. અગાઉ પણ ગોધરાના એરાલ ગામે બે બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા.આ ડોક્ટરો કોઈ પણ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા હતા અને લાઈસન્સ વગર એલોપેથીક દવાઓ આપીને દવાખાનું ચલાવતા હતા. પોલીસે 96 હજારની દવાના જથ્થા સાથે ઝડપી પાડી તેમની સામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.