ગુજરાત યુનિ.માં ડિગ્રી સર્ટિ માટે 50 હજારથી વધારે રજિસ્ટ્રેશન, હવે પદવીદાનની તારીખ જાહેર કરાશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટિ, લેવા માટે અરજીઓ મંગાવાતા ડિગ્રી મેળવવા માટે 50 હજારથી વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી છે. ગતવર્ષે 44 હજાર વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવવા માટે અરજી કરી હતી. પણ આ વર્ષે 6 હજાર જેટલા વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી છે. હવે યુનિ દ્વારા પદવીદાન સમારોહ યોજવાની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત પદવીદાન સમારંભનુ આયોજન કરવામાં આવે છે. આ પદવીદાન બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવે છે. આગામી દિવસોમાં કાયમી પદવીદાન સમારંભનું આયોજન કરવાનું હોવાથી વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવવા માટે ફોર્મ ભરવાની મુદત આપવામા આવી હતી. જેમાં 50 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ડિગ્રી માટે અરજી કરી છે. છેલ્લા વર્ષમાં ઓનલાઇન એકઝામ ઉપરાંત કોરોના મહામારીના કારણે અગાઉના વર્ષમાં પરીક્ષા જ ન લેવામાં આવી હોવાના કારણે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જતાં ડિગ્રી લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. યુનિવર્સિટીમાં દરવર્ષે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં પદવીદાન સમારંભનુ આયોજન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે પદવીદાન સમારંભ કયારે યોજાશે તે અંગે સત્તાવાર કોઇ જાહેરાત કરવામાં આવી નથી. નિયમ પ્રમાણે નવેમ્બર માસમાં જ આ આયોજન કરવાનુ હોય છે કોરોના મહામારીના કારણે શીડ્યુલ બગડતાં હવે જાન્યુઆરી અથવા તો ફ્રેબ્રુઆરીમાં પણ પદવીદાન સમારંભ યોજવામાં આવતાં હોય છે. આગામી દિવસોમાં પદવીદાન સમારંભ કયારે યોજવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.