અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. ભારતીય જળસીમામાં અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની અવાર-નવાર ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાનની જેલમાં હાલ લગભગ 560 જેટલા ગુજરાતના માછીમારો બંધ હોવાનું જાણવા મળે છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની મરિન સિક્યુરીટીએ વર્ષ 2021માં લગભગ 193 ભારતીય માછીમારોની અટકાયત કરી હતી. તેમજ તેમને પાકિસ્તાન લઈ જઈને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતા. આવી જ રીતે વર્ષ 2022માં રાજ્યના લગભગ 81 જેટલા માછીમારોની અટકયાત કરાઈ હતી. આમ હાલ પાકિસ્તાનની વિવિધ જેલોમાં લગભગ 560 જેટલા ગુજરાતી માછીમારો બંધ છે. આ માછીમારોને મુક્ત કરાવીને પરત લાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાત 1600 કિમી લાંબો દરિયા કિનારો ધરાવે છે, દરિયાકાંઠાના અનેક જિલ્લાના માછીમારો દરિયામાં માછીમારી કરવા જાય છે, કેટલીકવાર માછીમારો સારી માછલીઓ પકડવાની લ્હાયમાં જળસીમા ક્રોસ કરીને પાકિસ્તાનમાં પ્રવેશતા હોય છે. આવા માછીમારોની પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અટકાયત કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય દરિયામાં પાકિસ્તાનની ચાંચીયાગીરી પણ વધી છે, જેના પરિણામે પાકિસ્તાની જવાનો ભારતીય માછીમારોનું બોટ સાથે અપરહણ કરે છે. બંને દેશો વચ્ચે વાટાઘાટો બાદ માછીમારોને મુક્ત કરવામાં આવે છે, પરંતુ ભારતીય માછીમારોની અનેક બોટો હજુ પણ પાકિસ્તાનમાં છે જેને મુક્ત કરવામાં આવતી નથી. આ બોટો મુક્ત કરાવવા પણ સરકાર કામગીરી કરી રહી હોવાનું જાણવા મળે છે.