અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે બિપોરજોય વાવાઝોડાના કારણે્ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં 1100થી વધુ વૃક્ષો ધરાશાયી થતા 263 રસ્તા બંધ થયા હતા, જ્યારે વિજ પોલો ધરાશાયી થતાં 4600થી વઘુ ગામમાં વિજળી ઠપ્પ થઇ હોવાનું રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યુ હતુ
પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે રાજ્યમાં 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ વૃક્ષોને હટાવીને 260 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે. ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જતા 4600થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી, જેમાંથી 3580 જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. પીજીવીસીએલની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ બાકીના ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરી રહી છે.
રાહત કમિશનર આલોક પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આગોતરા આયોજનથી ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી છે. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી. આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, આ સ્થળાંતર કદાચ ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સ્થળાંતરમાનું એક હશે. લગભગ પાંચ દિવસ સુધી કુદરતી આફત સામે ઝઝુમી આજે આપણે હજારો જીવન બચાવી શક્યા છીએ.
તેમણે નુકશાની અંગે માહિતી આપતા ઉમેર્યું હતું કે, પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, નવ પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે.જ્યારે 474 જેટલા કાચા મકાન અને બે પાકા મકાનને અંશતઃ નુકશાન થયું છે. મુખ્ય પ્રધાને બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી વાવાઝોડાના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વેહલમાં વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા, અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી, ઝુંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ કરવા પણ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું સાંજે ગુજરાતને ઓળંગ્યા બાદ ધીરે ધીરે પવનની ગતિ ઘટશે. હજુ પણ પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધુ હોવાથી કચ્છ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.