અમદાવાદના રિવરફ્રન્ટના પ્લોટ્સમાં વાવેલા 5000થી વધુ વૃક્ષો કેમિકલ્સયુક્ત ઝેરી પાણીને લીધે બળી ગયા
અમદાવાદઃ શહેરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે. પણ યોગ્ય માવજતના અભાવે મોટાભાગના વાવેલા વૃક્ષો મુરઝાઈ જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ‘નવો શિરસ્તો અપનાવીએ વૃક્ષારોપણને જીવનનું અભિન્ન અંગ બનાવીએ’ નો મેસેજ આપતા બેનરો ઠેરઠેર લગાવ્યાં હતા જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મ્યુનિ.કોર્પોરેશનની લાપરવાહીના કારણે રિવરફ્રન્ટ પ્લોટમાં ઉગાડેલા 5 હજારથી વધુ વૃક્ષો કેમિકલવાળા ઝેરી પાણીથી બળી ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ બાજુએ દધિચી બ્રિજથી દૂધેશ્વર તરફ જતા ડાબી બાજુએ આવેલા આઠ હજાર ચોરસ મીટર વિસ્તારમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને વૃક્ષો રોપ્યા હતા. દૂધેશ્વર સ્થિત ડાઈંગ ઈન્ડસ્ટ્રીમાંથી અહીં સતત કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાથી જમીન પણ પ્રદૂષિત થઈ ગઈ છે. આ કારણે બચી ગયેલા વૃક્ષો પણ નાશ પામી શકે છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને ખાલી પ્લોટમાં 7 મહિના અગાઉ આશરે 40 હજાર વૃક્ષો રોપ્યા હતાં. વૃક્ષોને પ્રાણીઓથી બચાવવા વાયરનું ફેન્સિંગ પણ કરાયું હતું. છેલ્લા 4 મહિનાથી ડાઈંગ ઈન્ડસ્ટ્રી દ્વારા ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની સતત ફરિયાદો થઈ હતી પણ કોઈ પગલાં લેવાયા નહીં. આખરે આશરે 5 હજારથી વધુ વૃક્ષો નાશ પામ્યા પછી મ્યુનિ. એ હવે પગલાં ભરવાની શરૂઆત કરી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે. વૃક્ષો ઉગાડેલાં હતાં તે સ્થળે કેમિકલવાળા પાણીનો વિશાળ તળાવ જોવા મળી રહ્યો છે. એસિડિક પાણીના કારણે જમીન પણ પ્રદૂષિત થઈ રહી છે. આઠ હજાર ચો. મિટર વિસ્તારમાં ઉગાડેલા 35 હજાર વૃક્ષો માટે હવે જોખમ ઊભુ થયું છે. કેમિકલવાળા પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. પર્યાવરણ સંરક્ષકોનો આક્ષેપ છે કે, જીપીસીબીના ઝોન લેવલના કર્મચારીઓ પ્રવાહી કેમિકલ છોડતી કંપનીઓ સામે પગલાં લેતા નથી.