- યુકેમાં 54 હજારથી વધુ કેસ નોંધાયા
- શું આ ત્રીજી લહેર છે ?
- સરકાર તથા પ્રશાસન માટે ચિંતાનો વિષય
દિલ્લી: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે તથા કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખુબ ઝડપથી ચાલી રહી છે. આવામાં યુકેમાં કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બનતો જાય છે. યુકેમાં એક જ દિવસમાં 54 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. રશિયા, યુકે, જાપાને અને ઇન્ડોનેશિયામાં કોરોનાના નવા કેસોની સંખ્યા વધી જતાં લોકો ફરી ચિંતામાં મુકાઇ ગયા છે.
યુકેના આરોગ્ય અધિકારીઓએ આ બાબતે જણાવ્યું હતું કે ગત અઠવાડિયાની સરખામણીમાં કોરોનાના કેસોમાં 32 ટકાનો વધારો નોંધાયો છે. જો કે, હોસ્પિટલાઇઝેશન અને મરણાંક તેટલા પ્રમાણમાં વધ્યા નથી.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીની ચીફ એક્ઝિક્યુટિવ ડો. જેની હેરિસે જણાવ્યું હતું કે કોરોનાની રસીના બે ડોઝ લેનારાઓને ડેલ્ટા વેરિઅન્ટ સામે રક્ષણ મળી રહ્યું હોવાને કારણે મરણાંક નવા કેસોની સંખ્યાના પ્રમાણમાં વધ્યો નથી. જો કે, તેમણે ઉમેર્યું હતું કે રસી સારૂં રક્ષણ પુરૂ પાડે છે પણ તે 100 ટકા રક્ષણ પુરી પાડતી નથી.
જો વાત કરવામાં આવે અન્ય દેશની તો જેમ બીજી લહેર દરમિયાન ભારતમાં ઓક્સિજનની માગ વધી હતી તેમ અત્યારે ઈન્ડોનેશિયામાં પણ કોરોનાનું સંક્રમણ વધતા સ્થિતિ મુશ્કેલીભરી બની છે. ઇન્ડોનેશિયામાં કોરોનાના કુલ 24 લાખ કરતાં વધારે કેસો નોંધાયા છે અને 63,760 જણાના કોરોનાનો ચેપ લાગવાને કારણે મોત થયા છે. ગુરૂવારે એક જ દિવસમાં ઇન્ડોનેશિયામાં કોરોનાના નવા 39,000 કેસો નોંધાયા હતા. ઇન્ડોનેશિયાના સૌથી વધારે વસ્તી ધરાવતાં ટાપુ જાવામાં જુનની મધ્યમાં જ કામચલાઉ આઇસીયુ બનાવવામાં આવ્યા હતા.