5 વર્ષમાં 59 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપ્યો જીવ, આવું કંઈક છે કારણ….
નવી દિલ્હીઃ ભારત યુવાનોનો દેશ છે. અહીંની 60 ટકાથી વધુ વસ્તી યુવાનોની છે, પણ હવે આ દેશમાં દર 40 મિનિટે એક યુવક પોતાનો જીવ આપી રહ્યો છે. આ આંકડા સ્ટુડન્ટ સુસાઈડ – એન એપિડેમિક સ્વીપિંગ ઈન્ડિયા રિપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. હકીકતમાં, દેશમાં દરરોજ 35 થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. 2018 થી 2022 સુધીમાં દેશમાં 59,153 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
• કયા આધારે જારી કરવામાં આવ્યો રિપોર્ટ?
વિદ્યાર્થી સુસાઈડ- એન એપિડેમિક સ્વીપિંગ ઈન્ડિયા રિપોર્ટ, IC3 ની SALA કોન્ફરન્સમાં શેર કરવામાં આવ્યો. રિપોર્ટ તૈયાર કરવા માટે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. IC3 એક બિન-લાભકારી સંસ્થા છે જે સમગ્ર વિશ્વમાં શિક્ષણના ક્ષેત્રમાં કામ કરે છે.
• વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધુ છે
રિપોર્ટ અનુસાર, ભારતમાં આત્મહત્યાનો દર દર વર્ષે 2 ટકાના દરે વધી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનો દર દર વર્ષે 4 ટકાના દરે વધી રહ્યો છે. આનો અર્થ એ થયો કે દેશમાં દર વર્ષે આત્મહત્યાના કેસોની સંખ્યામાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. વર્ષ 2021માં 13,089 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. વર્ષ 2022માં 13,044 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. 2018 થી 2020 વચ્ચે કુલ 33,020 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.
• સૌથી મોટું કારણ શું છે
જો કે અલગ-અલગ કેસમાં વિદ્યાર્થીની આત્મહત્યાના કારણો અલગ-અલગ હોય છે, પણ મોટા ભાગના કિસ્સાઓમાં એક જ કારણ હોય છે. આ કારણ માનસિક સ્વાસ્થ્ય છે. યુનિસેફના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 15 થી 24 વર્ષની વયના દર સાતમાંથી એક વ્યક્તિ ખરાબ માનસિક સ્વાસ્થ્યથી પીડિત છે.
સૌથી મોટી વાત એ છે કે લોકો તેમની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને ગંભીરતાથી લેતા નથી. યુનિસેફના આ સર્વેમાં ભાગ લેનારા લોકોમાંથી માત્ર 41 ટકા જ તેમની માનસિક સમસ્યાઓના ઉકેલ માટે કાઉન્સેલર પાસે ગયા હતા. એટલે કે 59 ટકા લોકોએ આ સમસ્યાને જેવી છે તેવી છોડી દીધી.