ગાંધીનગરઃ ગુજરાતના બંદર વિભાગની માંગણીઓ સંદર્ભે વિધાનસભા ગૃહમાં રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા બંદર વિભાગ માટે વર્ષ 2024-25માં રૂ.92.13 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. પાછલા બે દાયકામાં દરિયાઈ માર્ગે માલ સમાન ટ્રાન્સપોર્ટનો રાષ્ટ્રીય સંકલિત વૃદ્ધિ વિકાસ દર 6.25 ટકા જેટલો રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારી સરકારના સતત પ્રયાસોથી ગુજરાતના બંદરો થકી માલ સામાનના ટ્રાન્સપોર્ટનો સંકલિત વૃદ્ધિ વિકાસ દર 8.45 ટકા રહ્યો છે. ગુજરાત સાચા અર્થમાં દેશના વિકાસનું અને વિકાસ માટે આવશ્યક માલ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા તંત્રનું ગ્રોથ એન્જિન છે.
મંત્રીએ પોર્ટ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ તેમજ દેશ- રાજ્યના વિકાસમાં ફાળા અંગે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશનો સૌથી વધુ 21 ટકા દરિયા કિનારો ધરાવે છે. જેના પરિણામે બંદરોના વિકાસ-ઉપયોગમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતના નોન મેજર પોર્ટ પરથી વર્ષ 2022–23માં 13,800 જેટલા જહાજોની અવર-જવર થઈ હતી. જે વર્ષ 2001-02ની તુલનામાં 2.76 ગણો વધારો થયો છે. સમગ્ર દેશના નોન મેજર પોર્ટ દ્વારા ટ્રાન્સપોર્ટ કરવામાં આવતા કુલ કાર્ગોનો આશરે 64% જેટલો ગુજરાતના નોન મેજર પોર્ટ દ્વારા થાય છે.
તેમણે કહ્યું હતું કે,2022-23માં રાષ્ટ્રીય સ્તરે પોર્ટ થકી માલની હેર ફેર આશરે 1,433 મિલિયન મેટ્રિક ટન જયારે ગુજરાતના નોન મેજર પોર્ટ દ્વારા 416.36 મિલિયન મેટ્રિક ટન માલનું ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું, જે કુલ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટનો અંદાજે 29% છે. ગુજરાતના બંદરો પરથી આશરે 105 કરતા વધારે દેશોમાં 60 કરતા વધારે કોમોડીટીનું નિકાસ થાય છે. વર્ષ 2000–01 માં ગુજરાતમાં પોર્ટથી રૂ.190.85 કરોડની આવક હતી.જેમાં વર્ષ 2022–23 સુધીમાં 13 ગણો વધારો થઈને રૂ.2488 કરોડ થઈ છે.
મંત્રીએ ગુજરાતની પોર્ટ નીતિ અને પોર્ટના વિકાસ થકી દેશના અન્ય ભાગોને દરિયાઈ વ્યાપારની સુવિધા સંદર્ભે કહ્યું હતું કે,ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 20 ટકાનો ફાળો ધરાવે છે આ ઔદ્યોગિક વિકાસ ફળીભૂત કરવા માટે રાજ્ય સરકારની પોર્ટ નીતિનો મોટો ફાળો છે. જેના થકી, રાજ્યના દરિયાકાંઠે થતા માલ ટ્રાન્સપોર્ટમાં 164 મિલિયન મેટ્રીક ટન એટલે કે 39 ટકા ફાળો કેપ્ટીવ કાર્ગોનો છે.
મંત્રી વિશ્વકર્માએ ગૃહમાં વધુમાં જણાવ્યું હતું કે,દેશની કુદરતી ગેસની જરૂરીયાતના 50 ટકાની LNG અને LPGની સપ્લાય ગુજરાતના પોર્ટ પર થતાં ઈમ્પોર્ટ દ્વારા થાય છે. દેશની પેટ્રોલીયમ પેદાશની જરૂરીયાતોના 45 ટકા સપ્લાય ગુજરાતના પોર્ટ મારફત થાય છે. દેશના કુલ કન્ટેનર હેન્ડલિંગના 39 ટકા હેન્ડલિંગ ગુજરાતના પોર્ટ મારફત થાય છે.