ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વધારે ભયનાક બની રહ્યું છે. હમાસના આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલ દ્વારા હમાસના ઠેકાણાઓને સત નિશાન બનાવવમાં આવી રહ્યું છે. બીજી તરફ આતંકવાદી સંગઠન હમાસ પણ ગાઝા પટ્ટીમાં બેઠા-બેઠા સ્થાનિકોને પોતાની ઢાલ બનાવીને ઈઝરાયલ ઉપર રોકેટથી હુમલા કરી રહ્યું છે. દરમિયાન આ યુદ્ધમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક છ હજારને પાર પહોંચ્યો છે. જ્યારે હજારો વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 1400થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં થઈ રહેલા યુદ્ધમાં 4600થી વધારે વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. એટલું જ નહીં મોટી સંખ્યામાં ઈઝરાયલની સેનાએ હમાસના ઠેકાણાનો નિશાન બનાવીને અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં છે. એટલું જ નહીં ઈઝરાયલ દ્વારા હમાસના આતંકવાદીઓના ખાતમા માટે જમીની કાર્યવાહીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
હાલ ગાઝા પટ્ટીની સરહદ ઉપર હજારોની સંખ્યામાં ઈઝરાયલના જવાનો ટેન્કરો સાથે તૈનાત છે. ઈઝરાયલ સરકારની મંજુરી બાદ જવાનો અંદર ઘુસીને જમીની કાર્યવાહીને અંજામ આપશે. બીજી તરફ હમાસના સમર્થનમાં ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ પણ ઈઝરાયલ સામે મોરચો ખોલીને લેબનાન સરહદ પાસેથી સતત હુમલા કરવામાં આવી રહ્યાં છે. જેનો જવાબ પણ ઈઝરાયલ સેના તેની ભાષામાં જ આપી રહી છે. એટલું જ નહીં ઈઝરાયલના પીએમ નેતન્યાહુએ હિઝબુલ્લાને આ યુદ્ધથી દુર કરવાની ચેતવણી આપી છે.
દરમિયાન ગાઝાના ગૃહ મંત્રાયલે જણાવ્યું હતું કે, તેમના દક્ષિણી વિસ્તારમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલામાં છ બાળકોના મોત થયાં છે. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈઝરાયલની સેનાએ દક્ષિણી પેલિસ્ટાનના એક ઘર ઉપર એરસ્ટ્રાઈક કર્યું હતું. ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલાનો અમેરિકા અને ભારત સહિતના દેશોએ વિરોધ કરીને આતંકવાદ સામેની કાર્યવાહીમાં ઈઝરાયલને સમર્થન આપ્યું હતું. બીજી તરફ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા કાર્યવાહીને પગલે ઈરાન, પાકિસ્તાન અને સાઉદી સહિતના મુસ્લિમ દેશોએ વિરોધ કર્યો હતો.