રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લામા ઈજનેરીના અભ્યાસક્રમોમાં પ્રવેશના અંતે 60 હજારથી વધુ બેઠકો ખાલી રહી
અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશને અંતે 62 હજાર જેટલી બેઠકો ખાલી રહી ગઇ છે. આ વર્ષે કોરોનાને લીધે બોર્ડે માસ પ્રમોશન આપ્યું હોય ઇજેનરી તરફ ધો.10 અને ધો.12 પાસનો ધસારો વધશે અને બેઠકો ભરાશે તેવી આશા હતી પણ ડિગ્રી ઇજનેરીમાં એડમિશનના બીજા રાઉન્ડના અંતે 30,697 અને ડિપ્લોમા ઇજનેરીમાં 31,154 બેઠકો વણપુરાયેલી રહી ગઇ છે. આમ, આ બન્ને ડિગ્રી અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં કુલ 61,851 બેઠકો ખાલી છે. જેમાં સરકારી કોલેજોમાં પણ બેઠકો ખાલી રહી ગઇ છે.
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ડિગ્રી ઈજનેરીમાં બીજા રાઉન્ડના અંતે આશરે 30,967 બેઠકો ખાલી રહી છે. ખાલી રહેલી બેઠકો પર ત્રીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી હાલ ચાલી રહી છે. સ્વનિર્ભર ઈજનેરી કોલેજ કક્ષાની પ્રવેશ કાર્યવાહીની પ્રવેશ કમિટીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજ ખાતે નોન એલોટમેન્ટ,નોન રિપોર્ટિંગના લીધે ખાલી બેઠકોની વિગતો જાહેર કરાઈ છે. 30 ઓક્ટોબર દરમિયાન ફોર્મ વિતરણ, મેરિટ લિસ્ટની જાહેરાત, એડમિશન કાઉન્સેલિંગ સહિતની પ્રવેશ કાર્યવાહી જે તે સંસ્થા સ્તરે નિર્ધારિત કરાઈ છે.
ધો.10 પછીના ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથમ વર્ષ પ્રવેશ માટે આ વર્ષે 64 હજાર જેટલી બેઠકોમાંથી ખાનગી કોલેજોની મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોને બાદ કરતા પ્રવેશ સમિતિ (એસીપીડીસી)એ ભરવાની થતી 57314 બેઠકો માટે ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા કરવામા આવી. બીજા રાઉન્ડના અંતે ખાનગી કોલેજોની 25551 અને સરકારી કોલેજની 6003 સહિત 31154 બેઠકો ખાલી રહી છે.બીજા રાઉન્ડ બાદ હાલ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 20681 બેઠકોમાંથી 14678 બેઠકો ભરાઈ છે અને ખાનગી કોલેજોની 36529 બેઠકોમાંથી 10978 બેઠકો જ ભરાઈ છે. ઘણી કોલેજોની 10 ટકાથી પણ ઓછી બેઠકો ભરાઈ છે.